3 નેતા પર ફાયરિંગ થશે, તેમાં મને ફસાવવા 25 લાખની સોપારી અપાઈ છે
ઉલ્હાસનગર ભાજપના પ્રમુખની ચોંકાવનારી પોલીસ ફરિયાદ
જેમના પર ગોળીબાર થવાની આશંકા છે તે પણ ભાજપના જ નેતાઓઃ રાજકીય વર્તુળોમાં ખળભળાટ
મુંબઇ : ભાજપના ત્રણ નેતાઓ પર ફાયરિંગ થવાનું છે અને તેમાં કસૂરવાર તરીકે મારું નામ આપવા પચ્ચીસ લાખની સોપારી કોઈએ લીધી છે તેવા આક્ષેપ સાથે ઉલ્હાસનગર ભાજપના પ્રમુખ પ્રદિપ રામચંદાણીએ પોલીસ ફરિયાદ કરતાં રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે જે ત્રણ નેતાઓ પર ફાયરિંગની આશંકા વ્યક્ત કરી છે તે પણ ભાજપના જ નેતાઓ છે. થાણે પોલીસ કમિશનરેટના ઝોન ચારના ડીસીપીને ફરિયાદ થયા બાદ પોલીસે જુદા જુદા એન્ગલથી તપાસ ચાલુ કરી છે.
પત્રમાં જે ત્રણ નેતાઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં મહારાષ્ટ્ર રાજ્ય સિંધી સાહિત્ય એકાદેમીના કાર્યકારી પ્રમુખ મહેશ સુખરામાણી, બે વખતના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ અને ડેપ્યુટી મેયર જમનુ પુરસ્વાણી અને જનરલ સેક્રેટરી અમિત વાધવાનો સમાવેશ થાય છે.
રામચંદાણીના આક્ષેપ અનુસાર ફાયરિંગ કરાવ્યા બાદ જે વ્યક્તિ પકડાય તેને મારા ઈશારે ફાયરિંગ થયું છે તેવી પોલીસ કબૂલાત કરવાની સૂચના અપાઈ છે.
રામચંદાણીએ તેને ૨૫મી ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ લખ્યો હતો. જોકે, સોશિયલ મીડિયા પર તે વાયરલ થયા બાદ આ ત્રમ નેતાઓને જાણ થઈ હતી કે તેમની સામે ફાયરિંગનું ષડયંત્ર ઘડાયું છે. ત્યારબાદ ગુરુવારે પુરસ્વાણી ડીસીપીને મળ્યા હતા અને પૂછપરછ કરી હતી કે શું તેમના જીવ સામે ખરતો છે? અને જો આવું હોય તો પોલીસે તેમને આટલા લાંબા સમય સુધી જાણ કેમ કરી નથી.
પુરસ્વાણી પણ આ મુદ્દે રામચંદાણીથી નારાજ છે. તેમણે માધ્યમો સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે એવું લાગે છે કે રામચંદાની ડીસીપીને પત્ર લખી પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ જો અમારા જીવને ખતરો હતો તો તેણે આ વાતની જાણ અમને કરવી જોઇતી હતી. આ સંદર્ભે થાણે પોલીસના ઝોન-૪ના ડીસીપી ફાઠારેએ સ્પષ્ટતા કરી હતી કે આ કેસમાં એસીપી- ઉલ્હાસનગર તમામ એંગલથી તેમની તપાસ ચલાવી રહ્યા છે.