Get The App

ગઢચિરોલીમાં જંગલી હાથીનો હાહાકાર : 2 મહિલા સહિત 3ને કચડી નાખ્યા

Updated: May 1st, 2024


Google NewsGoogle News
ગઢચિરોલીમાં જંગલી હાથીનો હાહાકાર : 2 મહિલા સહિત 3ને કચડી નાખ્યા 1 - image


તેલંગણામાં બેનો ભોગ લીધા બાદ મહારાષ્ટ્રમાં

ગામડામાં ધાર્મિક વિધિ વખતે હાથીનો હુમલો : બેકાબૂ હાથી પર નજર રાખવા ડ્રોનનો ઉપયોગ

મુંબઇ :  તેલંગણાના બે જણનો ભોગ લીધા બાદ ગઢચિરોલીના જંગલમાં ધસી આવેલા જંગલી હાથીએ છેલ્લાં પાંચ દિવસમાં બે મહિલા સહિત ત્રણ જણને કચડી નાખતા હાહાકાર મચી ગયો છે. 

ગઢચિરોલીના સર્કર કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ રમેશકુમારે જણાવ્યું હતું કે આ જંગલી હાથી મૂળ છત્તીસગઢનો છે. છેલ્લા થોડા સમયથી તેલંગણામાં હતો જ્યાં તેણે બે માણસને મારી નાખ્યા હતા. ૨૪મી એપ્રિલે તેલંગણાના જંગલમાંથી ગઢચિરોલીના ભામરગઢના જંગલમાં દાખલ થયો હતો. ભામરગઢમાં ખેતરમાં કામ કરતા ગોંગલુ રામા તેલામી નામના કિસાનને સૂંઢથી ઉપાડીને પછી જોરથી જમીન પર પછાડી પગ નીચે કચડી નાખ્યો હતો.

બીજે દિવસે સાંજે હિદુરગામના ગામડામાં ધાર્મિક વિધિ માટે ગ્રામજનો ભેગા થયા હતા ત્યાં આ તોફાની હાથી ધસી ગયો હતો. હાથીના હુમલામાં મહારી દેવુ વડ્ડે અને રાજે કોપા અલામી નામની આધેડ વયની બે મહિલાઓ મોતને ભેટી હતી. ત્રીજી મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી.

બેકાબૂ બનેલા આ હાથીની હિલચાલ પર નજર રાખવા માટે જંગલમાં ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે. વન વિભાગની અનેક ટુકડીઓ રચવામાં આવી છે જે હાથી પર જાપ્તો રાખી રહી છે. ગામડાઓમાં ફરીને લોકોને સાવધ રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે.

ગઢચિરોલીનું ગાઢ જંગલ ૧૪,૪૦૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. આ જંગલમાં ૨૦૨૧ સુધી એક પણ હાથી નહોતો. પરંતુ ત્યાર પછી અચાનક છત્તીસગઢના બસ્તરના જંગલમાંથી ૨૩ જંગલી હાથીના ઝૂંડે ગઢચિરોલીમાં પ્રવેશ કર્યો હતો. ત્યારથી આ હાથીઓની રંજાડ શરૃ થઇ ગઇ છે. તાજેતરમાં જ હાથણીએ બે મદનિયાને જન્મ આપ્યો હતો. 


Google NewsGoogle News