પત્નીને આગલાં લગ્નથી થયેલાં પુત્રની પતિ દ્વારા ઢોર માર મારી હત્યા
- પોલીસે આકસ્મિક મોત નોંધ્યુ હતું, પીએમમાં મર્ડરની ખબર પડી
- પત્નીએ લગ્ન પહેલાં આ સંતાનની વાત છૂપાવી હતી, ઘરે લઈ આવતા ંજવાબદારી લેવાનો ઈનકાર કર્યો, ચાર વર્ષના માસુમને માર માર્યો
મુંબઈ : થાણેમા ચાર વર્ષીય પુત્રની શારીરિક ત્રાસ આપી હત્યા કરનારા સાવકા પિતાની પોલીસે ધરપકડ કરી છે. પત્નીએ પહેલા લગ્નથી પુત્ર હોવાની વાત છુપાવી હતી. આરોપીએ તેના લગ્ન બાદ આની જાણ થતા તે ગુસ્સામાં હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
ચિતળસર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩ (હત્યા) હેઠળ કેસ નોંધી દિલશાદને પકડીને વધુ તપાસ આદરી છે. પોલીસને શરૃઆતમાં આ એક્સિડેન્ટલ ડેથનો મામલો લાગ્યો હતો પરંતુ પોસ્ટમોર્ટમના રિપોર્ટથી બાળકની હત્યા કરાઇ હોવાની ખબર પડી હતી.
ચાર વર્ષીય મોહમ્મદ આર્યનની માતાએ તેના પહેલા પતિથી અલગ થયા બાદ દિલશાન સાથે બીજા લગ્ન કર્યા હતા. થાણેમાં દિલશાન તેની સાથે રહેતો હતો. થોડા દિવસ અગાઉ મહિલા કોલકાતાથી તેના પુત્ર આર્યનને થાણે લઇને આવી હતી.
આરોપી દિલશાન તેની પત્નીને પહેલા લગ્નથી પુત્ર હોવાની બાબતથી અજાણ હતો. તે અચાનક આર્યનને જોઇને રોષે ભરાયો હતો. તેણે આર્યનની જવાબદારી લેવાનો ઇનકાર કર્યો હતો. આ મુદ્દે પતિ અને પત્ની વચ્ચે તણાવ સર્જાયો હતો. બીજી તરફ આ માસૂમનું રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. પોલીસે રવિવારે એક્સિડેન્ટલ ડેથનો કેસ નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. ઓટોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યું કે બાળકની મારપીટ કરવામાં આવી હતી. તેની પાંસળી, હાડકા અનેક જગ્યાએ તૂટી ગયા હતા. તેના પેટમાં આંતરિક ઇજાઓ હતી. આથી પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસે દિલશાનની પૂછપરછ કર્યા બાદમાં ગઇકાલે રાતે તેની ધરપકડ કરી હતી.