ભરણપોષણ માટે કઈ કોર્ટમાં કેસ કરવો એ પત્નીની પસંદગીઃ હાઈકોર્ટ
એવું હોય તો દરેક પતિની અરજી માન્ય કરવી પડે
ફેમિલી કોર્ટમાં પત્નીનો કેસ ટ્રાન્સફર કરવાની છૂટાછેડાનો કેસ કરનારા પતિની માગણી નકારાઈ
મુંબઈ : પતિએ છૂટાછેડાની કાર્યવાહી શરૃ કરી હોય ત્યારે ભરણ પોષણ મેળવવા માટે ઘરેલુ હિંસાનો કેસ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કરવો કે ફેમિલી કોર્ટ સમક્ષ કરવો એ પત્નીની પસંદ છે, એમ બોમ્બે હાઈ કોર્ટે નિરીક્ષણ કરીને જણાવ્યું હતું કે આવા સંજોગોમાં હાઈ કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટ સામેનો કેસ ફેમિલી કોર્ટમાં ટ્રાન્સફર કરવાની પતિની અરજી હાથ ધરવી જોઈએ નહીં.
ન્યા. અરુણ પેડણેકરે રૃ. દસ હજારના દંડ સાથે પતિની અરજી ફગાવી હતી. શવિરી મેજિસ્ટ્રેટ કોર્ટમાંથી બાંદરા ફેમિલી કોર્ટમાં પત્નીનો કેસ ટ્રાન્સફર કરવાની માગણી કરાઈ હતી. પતિએ પોતે બાંદરા ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ કર્યો છે.
પતિએ દલીલ કરી હતી કે અવારનવાર કોર્ટ દ્વારા કહેવામાં આવે છે કે ઘરેલુ હિંસાનો કેસ છૂટાછેડાના કેસ સાથે ટ્રાન્સફર કરી શકાય છે આથી બંને કોર્ટ દ્વારા અપાતા આદેશમાં વિરોધાભાસ થાય નહીં એ માટે આ અરજી કરવામાં આવી છે. કોર્ટે જોકે નિરીક્ષણ કર્યું હતું કે પત્ની અને પુત્રીને તાકીદના ભરણપોષણને મુદ્દે વિરોધાભાસનો પ્રશ્ન વાપરવો જોઈએ નહીં. કેસ ટ્રાન્સફર કરવાથી વધુ વિલંબ થશે.
આદેશમાં વિરોધાભાસ દૂર કરવા પત્ની બંને કાર્યવાહીની વિગત જણાવી શકે છે. ઘરેલુ હિંસા કાયદા અને હિન્દુ મેરેજ એક્ટ બંને હેઠળ પત્ની ભરણપોષણ માગી શકે છે. આદેશમાં વિસંગતી જો કારણ ગણવામાં આવે તો પત્ની દ્વારા મેજિસ્ટ્રેટ કોર્ટની પસંદગી સામેની પતિની બધી અરજીઓ માન્ય કરવી પડશે. આથી પત્નીને ઉપલબ્ધ વિકલ્પનો કાયદો નિરર્થક બની જશે, એમ જજે નોંધ કરી હતી.
કેસ ટ્રાન્સફર કરવાની સત્તા કાયદાનો દુરુપયોગ ટાળવા કરી શકાય છે પણ પત્નીને તેની પસંદગીના મંચથી વંચિત રાખવા કરી શકાય નહીં.