પોતાના માટે લાવેલો દારુ પત્ની પી જતાં પતિ દ્વારા ગળું દબાવી હત્યા
સર્પદંશથી પત્નીનું મૃત્યુ થયું હોવાનું નાટક રચ્યું
ભુસાવળ તાલુકાના હતનૂરમાં પોસ્ટ મોર્ટમના અહેવાલમાં પતિની પોલ ખૂલી જતાં પોલીસ દ્વારા ધરપકડ
મુંબઇ : જળગાવ જિલ્લાના ભુસાવળ તાલુકામાં બનેલી એક વિચિત્ર ઘટનામાં પતિ પોતાના સેવન માટે દારૃ લાવ્યો હતો. જોકે આ દારુ પત્ની ગટગટાવી જતા ગુસ્સે ભરાયેલા પતિએ ગળું દબાવી પત્નીની હત્યા કરી નાંખી હતી. આ હત્યા બાદ સર્પદંશથી પત્નીની હત્યા થઇ હોવાનો બનાવ રચ્યો હતો. જોકે પોસ્ટ મોર્ટમમાં સચ્ચાઇ બહાર આવી જતા પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી.
આરોપી જિતેન્દ્ર ગંગારામ હેમબ્રમ મૂળ ઉત્તર પ્રદેશનો છે પણ પત્ની શાંતીદેવી સાથે ભૂસાવળ તાલુકાના હતનૂર ગામમાં રહેતો હતો. અહીં હતનૂર ગામમાં છેલ્લા ઘણા સમયથી હતનૂર ડેમનું કામ ચાલી રહ્યું છે જેમાં આરોપી અને તેની પત્ની બન્ને કામ કરતા હતા. આરોપી અને તેની પત્ની બન્નેને દારૃ પીવાનું વ્યસન હતું. દરમિયાન થોડા દિવસ પહેલા હેમબ્રમ પોતાના સેવન માટે દારૃ લઇ આવ્યો હતો. તેણે પત્ની શાંતિદેવીને જાણ કર્યા વગર દારૃની બોટલ અમૂક જગ્યા પર મૂકી રાખી હતી. આ દારૃની આ બોટલ અચાનક શાંતિદેવીના હાથમાં લાગી જતા તેણે દારૃનું સેવન કરી બોટલ ખાલી કરી નાંખી હતી.
સાંજે જ્યારે આરોપી હેમબ્રમ કામેથી ઘરે પાછો ફર્યો અને તેને દારૃ પીવાની ઇચ્છા થઇ ત્યારે તેણે જે સ્થલે દારૃની બોટલ મૂકી હતી ત્યાં તપાસતા તેને બોટલ મળી નહોતી તેથી તેણે શાંતિદેવીને આ બાબતે પૂછતાં તેણે દારૃ પી લીધો હોવાનું જણાવતા આરોપીનો પિત્તો ગયો હતો અને તેણે પટ્ટાથી પત્નીને મારવાનું શરૃ કર્યું હતું. તે આટલેથી અટક્યો નહોતો પણ ગુસ્સામાં પત્નીનું ગળું દબાવી તેની હત્યા કરી નાંખી હતી. આ ઘટના બાદ તે ડરી ગયો હતો હત્યાની આ ઘટના છૂપાવવા તેણે પત્નીનું મોત સર્પદંશથી થયું હોવાનું પોલીસને જમાવ્યું હતું. જોકે પોલીસે તેની પત્નીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. દરમિયાન પોસ્ટમોર્ટમ અહેવાલમાં શાંતિદેવીનું મૃત્યુ ગળું દબાવવાથી થયું હોવાનું જણાવવામાં આવતા પોલીસે ત્વિરિત કાર્યવાહી હાથ ધરી હેમબ્રમની ધરપકડ કરી હતી.