Get The App

પત્નીને એરપોર્ટ પહોંચતાં મોડું થતાં પતિએ ફલાઈટમાં બોમ્બ હોવાનો ફોન કરી દીધો

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
પત્નીને એરપોર્ટ પહોંચતાં મોડું થતાં પતિએ ફલાઈટમાં બોમ્બ હોવાનો ફોન કરી દીધો 1 - image


પત્નીની અનૂકૂળતા માટે  પતિએ પોલીસ સહિતની એજન્સીઓને ધંધે લગાડી દીધી

મોડી પડેલી પત્નીને ફલાઈટમાં બેસવા ન દેવાયા બાદ બેંગ્લુરુથી પતિએ ફોન કર્યોઃ કોલ ટ્રેસ કર્યા બાદ મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ

મુંબઇ :  આકાસા એરલાઇન્સની મુંબઇ- બેગ્લુરુ ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ખોટો ફોન કરનાર એક વ્યક્તિની મુંબઇ પોલીસે ધરપકડ કરી હતી. આરોપીનું નામ વિલાસ રંગનાથ બાકડે છે અને ઘટનાના દિવસે તેની પત્ની મુંબઇથી બેંગ્લુરુ આવવા નીકળી હતી પણ રસ્તામાં તેને એરપોર્ટ પર પહોંચવામાં મોડં  થઇ જતા તેને ફ્લાઇટમાં બેસવા દેવામાં આવી નહોતી તેથી બાકડેએ ફ્લાઇટમાં બોમ્બ મૂક્યો હોવાનો કોલ કર્યો હતો જેથી ફ્લાઇટ મોડી પડે અને તેની પત્નીને ફ્લાઇટ પકડવામાં અનુકૂળતા થઇ શકે.

આ સમગ્ર ઘટના સંદર્ભે મુંબઇ એરપોર્ટ પોલીસના જણાવ્યાનુસાર ૨૪ ફેબુ્રઆરીના સાંજે એરલાઇન્સના મલાડમાં આવેલા કોલ સેન્ટરમાં એક ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં કોલ કરનારે દાવો કર્યો હતો કે મુંબઇથી બેંગ્લુરુ જતી ક્યુપી- ૧૩૭૬ ફ્લાઇટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ સમયે ફ્લાઇટમાં કુલ ૧૬૭ મુસાફરો સવાર હતા અને ફ્લાઇટ મુંબઇથી ટેક ઓફ્ફ કરવાની તૈયારીમાં હતી.

એરલાઇન્સના અધિકારીઓએ તરત જ ફ્લાઇઠના કેપ્ટન અને પોલીસ સહિત તમામ અધિકારીઓને ધમકી વિશે જાણ કરી હતી. ત્યારબાદ કેપ્ટને એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી)ને પણ જાણ કરતા એરપોર્ટ પોલીસ, સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ, અને એન્ટી ટેરરિઝમ સ્કવોડ (એટીએસ) સાથે બોમ્બ સ્કવોડના અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તમામ મુસાફરોને એરક્રાફ્ટમાંથી ઉતારવામાં આવ્યા હતા અને સમગ્ર વિમાન અને મુસાફરોની બેગની પણ તપાસ કરવામાં આવી હતી. જો કે વિમાનમાંથી કાંઇ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. ત્યારબાદ ઘણા વિલંબ પછી મધરાતે ફ્લાઇટ બેંગ્લુરુથી જવા રવાના થઇ હતી.

આ ઘટના બાદ એરલાઇન્સના સુરક્ષા અધિકારીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસમાં જે નંબરથી ફોન કરવામાં આવ્યો હતો તે નંબર ટ્રેસ કર્યો હતો. ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ નંબર વિલાસ પકડેનો છે. જ્યારે તેની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે કબૂલ્યું હતું કે તેણે જ આ ફોન કર્યો હતો. બકડેની પત્ની ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને તે એક ક્લાયન્ટને મળવા મુંબઇ આવી હતી.

તે કામ પતાવી બેગલુરુ પાછી જવા માગતી હતી પણ એરપોર્ટ પર પહોંચવામાં મોડું થયું અને તે ફ્લાઇટમાં બેસી શકી નહી તેથી તેણે બકડેનો ફોન કર્યો હતો. બાકડેએ ફ્લાઇટને મોડી પાડવાના આશયથી ફ્લાઇટમાં બોમ્બ હોવાનો ખોટો ફોન કર્યો હતો. તે મુજબ માહિતી એરપોર્ટ પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારી મધુકર સાનપે આપી હતી. બકડેની ધરપકડ કર્યા બાદ  બે દિવસની પોલીસ કસ્ટડી પછી મંગળવારે તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. બકડે દોષિત ઠરે તો તેને સાત વર્ષની જેલની સજા થઇ શકે છે.



Google NewsGoogle News