પતિ સાથે તકરાર થતાં પત્ની ગર્ભપાતની મંજૂરી માટે હાઈકોર્ટમાં
હાઈકોર્ટે કહ્યું, ઘરેલુ મામલો છે, સમાધાન માટે પ્રયાસ કરો
પતિએ ટોણો માર્યો કે મારે તો બીજી યુવતી સાથે પ્રેમ હતો, તારી સાથે લગ્ન કરવાં જ ન હતાં, બાળક પણ મારું નથી તેવો આક્ષેપ કયા
મુંબઈ, - પતિ સાથે તકરાર થતાં પત્નીએ ૨૦ સપ્તાહનો ગર્ભ પડાવવા માટે મંજૂરી માગતી અરજી બોમ્બે હાઈકોર્ટમાં કરી હતી. જોકે, હાઈકોર્ટે કોઈ આખરી નિર્ણય આપતાં પહેલાં દંપતીને પરસ્પર સમજૂતીથી વિવાદ ઉકેલવાનો પ્રયાસ કરવાનું જણાવ્યું છે.
દંપતી વચ્ચે કોઈ મોટો વિવાદ નથી અને સમજૂતીથી ઉકલી શકાય તેમ હોવાનું કોર્ટે આદેશમાં જણાવ્યું હતું. કોર્ટે દંપતીને પુણે મેજિસ્ટ્રેટ કોર્ટના પ્રાંગણમાં આ સપ્તાહમાં ત્રણ દિવસ મળીને પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરવાનો નિર્દેશ આપ્યો છે.
જજોએ જણાવ્યું હતું કે બંને પક્ષના વકિલોએ સમાધાન કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ જેથી સૌહાર્દપુર્ણ વાતાવરણ રચી શકાય અને જો બાળક જન્મે તો એ તેમનું પ્રથમ સંતાન બની શકે.દંપતીનો એક બીજા પર વિશ્વાસ નિર્માણ થાય એ માટે જરૃર પડયે તાલીમબદ્ધ મધ્યસ્થીકારની સેવાઓને પણ બાળકના હિત ખાતર ઉપયોગમાં લઈ શકાય છે.
પતિ સાથે તણાવભર્યા સંબંધ હોવાનું જણાવીને મહિલાએ ગર્ભ પાડવવા માટે અરજી કરી હતી. પતિએ પત્નીને ટોણો માર્યો હતો કે પોતે અન્ય મહિલાના પ્રેમમાં હોવાથી તેની સાથે ક્યારેય લગ્ન કરવા માગતો નહોતો,એમ અરજીમાં જણાવાયું છે. મહિલાએ એવો પણ આરોપ કર્યો હતો કે પતિએ દાવો કર્યો છે કે બાળક અવતરશે એ તેનું નથી અને તેને ક્યારેય સ્વીકારશે નહીં.
દંપતીના લગ્ન મે ૨૦૨૩માં થયા હતા અને પુણે મેજિસ્ટ્રેટ કોર્ટમાં મહિલાએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. હાઈકોર્ટમાં પતિએ સોગંદનામામાં જવબા નોંધાવ્યો હતો અને આરોપો નકારી કાઢ્યા હતા. તેણે જણાવ્યું હતું કે તેમના વચ્ચે વિવાદ હતો પણ બાળકને સ્વીકારવાનો ક્યારેય ઈનકાર કર્યો નહતો કે પત્નીના ચારિત્ર્ય પર શંકા પણ કરી નહોતી. વધુમાં બાળક અને પત્નીની સંભાળ રાખવા પોતે તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું.
પતિ અને તેના માતાપિતાએ ઘણી વાર વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો પણ પત્ની જવાબ આપતી નહોવાનો પતિએ દાવો કર્યો હતો.
જજોએ સોમવારે બંને સાથે વાતચીત કરતાં નોંધ્યું હતું કે બંને જણ એકબીજાને સમજી શકવા અને સમસયા ઉકેલવા માટે પુરતા પરિપક્વ છે.
પત્નીએ જણાવ્યું હતું કે જો પતિ બાળકની સંભાળ રાખવા અને પોતાની સારી રીતે વર્તવા તૈયાર હોય તો તેને ગર્ભપાત કરાવવાનું કોઈ કારણ નથી, એમ કોર્ટે આદેશમાં જણાવ્યું હતું.
પત્ની પીયરમાં લાંબો સમય રહે છે અથવા તો પતિ પોતાના માતાપિતાનો પક્ષ લે છે એવા આરોપો અને ગેરસમજણો સિવાય દંપતી વચ્ચે કોઈ મોટી સમસ્યા નહોવાનું જજોએ નોંધ્યું હતું. કોર્ટે આગામી સુનાવણી છઠ્ઠી ફેબુ્રઆરીએ રાખી છે.