પતિએ પોતાનાં ખર્ચે લીધેલાં ઘર પર પત્ની દાવો ન કરી શકે, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Updated: Apr 5th, 2024


Google NewsGoogle News
પતિએ પોતાનાં ખર્ચે લીધેલાં ઘર પર પત્ની દાવો ન કરી શકે, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો 1 - image


સહમાલિક તરીકે નામ નોંધાવ્યું હોય તો પણ નહીં

છૂટાછેડાના વિવાદમાં પત્નીએ કરેલો દાવો ફગાવ્યોઃ પતિએ પ્રેમથી સહ માલિક તરીકે નામ રાખ્યું હતું પણ ખર્ચ સંપૂર્ણ તેણે એકલાએ ઉઠાવ્યો હતો 

મુંબઈ :  પતિએ પોતાના પૈસે ઘર ખરીદ્યું હોય તો તેના પર પત્ની દાવો કરી શકે નહીં, એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો બોમ્બે હાઈ કોર્ટે આપ્યો છે. એક કેસમાં ઘર ખરીદી કરતી વખતે પત્નીએ પૈસા આપ્યા નહોતા. આ વ્યવહારમાં તેનો કોઈ ફાળો નહોતો. ખાસ કરીને છુટાછેડાની અરજીમાં શરૃઆતમાં ઘર પર દાવો કરાયો નહોતો પછી આ દાવો કરાયો હતો. જો ઘર ખરીદીમાં સહભાગ નહોય તો પત્નીનો દાવો માન્ય કરી શકાય નહીં, એવો ચુકાદો આપીને ન્યા. કોલાબાવાલા અને ન્યા. સાઠેની બેન્ચે અરજદાર પત્નીને રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. 

કેસની વિગત અનુસાર ૨૭ ડિસેમ્બર ૧૯૭૭ના રોજ દંપતીના વિવાહ થયા હતા. દંપતી કફ પરેડમાં રહેતું હતું. ૧૯૮૫માં પતિએ જુહુમાં નવું ઘર લીધું હતું. ઘરની નોંધણીમાં સહમાલિક તરીકે પત્નીનું નામ પતિએ નાંખ્યું હતું. પતિએ લોન લઈને આ ઘર લીધું હતું. આગળ જતાં બંનેમાં મતભેદ  થતાં છૂટાછેડાની અરજી કરી હતી.

વિવાદમાં પત્નીએ જુહુના ઘર પર પણ દાવો કર્યો હતો. પોતે ઘરની ૫૦ ટકા રકમ આપી હોવાથી ઘર પર પોતાનો ૫૦ ટકા અધિકાર હોવાનો પત્નીએ દાવો કર્યો હતો. ફેમિલી કોર્ટે જોકે દાવો ફગાવ્યો હતો. ઘરના સંપૂર્ણ પૈસા પતિએ આપ્યા હતા. આથી ઘર પર માત્ર પતિનો અધિકાર છે, એમ ફેમિલી કોર્ટે ચુકાદામાં સ્પષ્ટ કર્યું હતું. આના વિરોધમાં પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

પતિને પોતાના પર પ્રેમ હતો, આથી તેણે સુરક્ષા માટે  ઘરમાં સહમાલિક તરીકે નામ આપ્યું હતું. આ બાબત ફેમિલી કોર્ટે ગ્રાહ્ય ધરી નહોતી. પત્ની માટે આ ઘર લીધું નહોતું એ પણ પતિ સિદ્ધ કરી શક્યો નહોતો, આથી ઘર પર પોતાની ૫૦ ટકા અધિકાર હોવાનો પત્નીએ દાવો કર્યોે હતો.

ઘરના સંપૂર્ણ પૈસા પોતે આપ્યા છે. માત્ર સમજૂતી કરાર તરીકે પત્નીને સહમાલિક બનાવાઈ છે. બેનામી મિલકત પ્રતિબંધક કાયદાનો વિચાર કરીએ તો પતિનો ઘર પર અધિકાર નકારી શકાય નહીં. આ ઘર પર પોતાનો જ અધિકાર હોવાનું ફેમિલી કોર્ટે પણ માન્ય કર્યું હોવાની દલીલ પતિએ કરી હતી.

હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં દાદ માગવા ચાર સપ્તાહની મુદત માગવામાં આવી હતી અને ત્યાર સુધી ઘર વેચવા પતિને મનાઈ કરવામાં આવે એવી વિનંતી પત્નીએ કરી હતી. હાઈ કોર્ટે વિનંતી માન્ય કરી છે. કેસમાં પત્નીની અરજી પ્રલંબિત હતી ત્યારે જ તેનું મૃત્યુ થયું હતું. છૂટાછેડા બાદ તેણે બીજા લગ્ન કર્યા હતા. પહેલા પતિથી તેને પુત્ર છે હવે માતાના અધિકાર માટે કોર્ટમાં લડત આપી રહ્યો છે.



Google NewsGoogle News