સુશાંત કેસમાં રિયા સામે ચાર્જશીટમાં વિલંબકેમ, સીબીઆઈને કોર્ટનો સવાલ
લૂક આઉટ નોટિસ સામેની રિયા તથા પરિવારની અરજી વખતે ટિપ્પણી
આ કોઈ આર્થિક કૌભાંડ નથી, ધરપકડ ટાળવાના પુરાવા નથી તો લૂક આઉટ નોટિસની શું જરુર છેઃ જોકે, નોટિસ રદ કરવાની અરજી પર ચુકાદો અનામત
મુંબઈ : અભિનેતા સશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી તપાસ દરમ્યાન સીબીઆઈએ જારી કરેલા લુક આઉટ સર્ક્યુલરને રદ કરવા અભિનેત્રી રિયા ચક્રબોર્તી, તેના ભાઈ શૌવિક અને તેમના પિતાએ કરેલી અરજી પર બોમ્બે હાઈ કોર્ટે આદેશ અનામત રાખ્યો છે. જોકે, આ સુનાવણી દરમિયાન આ કેસમાં ચાર્જશીટ રજૂ કરવામાં થઈ રહેલા વિલંબ બદલ કોર્ટે સીબીઆઈ પર સવાલોની ઝડી વરસાવી હતી.
એલઓસી હેઠળ કોર્ટની પૂર્વ પરવાનગી સિવાય વિદેશ જતાં વ્યક્તિને રોકવામાં આવે છે.આને લીધે ચક્રબોર્તીને વિદેશમાં કામ માટે જવામાં અડચણો આવતી હોવાથી આ અરજી કરવામાં આવી છે. હાઈ કોર્ટે અગાઉ રિયાને દુબઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા એલઓસી કામચલાઉ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો.
માત્ર એફઆઈઆર રજિસ્ટર થઈ હોવા માત્રથી એલઓસી જારી કરવાનું કેટલું યોગ્ય છે એવો સવાલ કોર્ટે સીબીઆઈની દલીલ સામે કર્યો હતો. અધિકારક્ષેત્ર પણ વધુ એક મુદ્દો છે કેમ કે એફઆઈઆર પટનામાં થઈ છે. દિલ્હીમાં સીબીઆઈએ કેસ હાથમાં લીધો એ પૂર્વે રાજપૂતના પરિવારે કરેલી ફરિયાદ પર આ કેસ નોંધાયો હતો. રિયા અને રાજપુત મુંબઈમાં રહેતા હોવાથી મુંબઈ યોગ્ય સ્થળ છે કેસ નોંધવા માટેનું અને સીબીઆઈ પણ અહીં તપાસ કરી રહી છે.
એ જ રીતે શૌવિક અને તેમના પિતા વતી પણ વકિલે અધિકારક્ષેત્રની વાત કહી હતી અને જણાવ્યું હતું કે આરોપી સક્રિય રીતે ધરપકડને ટાળતો હોવાના પુરાવા હોય તો જ એલઓસી જારી કરવામાં આવે છે જે આ કેસમાં નથી.
સીબીઆઈએ અગાઉના આદેશને ટાંકીને દલીલ કરી હતી કે રિયાએ કેસ મુંબઈ ટ્રાન્સફર કરવાનો ઈનકાર કરતો આદેશ અગાઉ આપી દેવાયો છે. કોર્ટે જોકે આ કેસ ૨૦૨૦થી પ્રલંબિત છે અને સીબીઆઈએ આરોપનામું પણ દાખલ ક ર્યું નહોવાનું ધ્યાન દોરીને વિલંબને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.આ કોઈ આર્થિક કૌભાંડ નથી કેસમાં ક્યાંક તો સમાપન થવું જોઈએ. એક કેસમાં સાક્ષીદાર સામે એલઓસી જારી કરાતાં આજીવિકા રળવા વિદેશ જઈ શકતો નહોતો. આવા કેસ હોય તો કયો સાક્ષીદારો આગળ આવશે? એલઓસી રદ કરવામા ંતમને શું ભય છે? એવો સવાલ કોર્ટે કર્યો હતો.
સીબીઆઈએ ચક્રબોર્તીએ તપાસમાં સહકાર આપ્યો હોવાનું કબૂલ્યું હતું પણ આરોપનામું ક્યારે દાખલ થશે એ કહી શકાય તેમ નહોવાનું જણાવ્યું હતું. તેમને સમન્સ નથી પાઠવાતા અટેલે તપાસ ચાલતી નથી એવો અર્થ નથી. એલઓસી માત્ર સાવચેતીને લઈને જારી કરાયું છે. વ્યક્તિ નાસી જાય ત્યાં સુથી તેનો ઈરાદો કળી શકાતો નથી.
આના જવાબમાં કોર્ટે સમયસર કાનૂની પ્રક્રિયા ચલાવવા પર ભાર મૂક્યો હતો. સાડા ત્રણ વર્ષ થયા છે અને હજી ચાર્જશીટના ઠેકાણા નથી.