નજીક જઈ સેલ્ફી લેવા જતાં વિફરેલા હાથીએ શ્રમિક યુવકને કચડી માર્યો
ગઢચિરોલીના જંગલમાં દુર્ઘટનાઃ અન્ય બે શ્રમિકો ભાગ્યા
જંગલમાં કેબલનું કામ કરવા આવેલો શ્રમિક ભોગ બન્યો ઃ ગઢચિરોલીમાં એક વર્ષમાં હાથીના હુમલામાં છ જણના જીવ ગયા
મુંબઇ : ગઢચિરોલીમાં ચાર્મોશી તાલુકાના આબાપુર ગામના જંગલમાં એક યુવકને હાથી સાથે સેલ્ફી લેવી ભારે પડી ગઇ હતી. યુવકને પાસે જોઇ વિફરેલા હાથીએ યુવકને કચડી માર્યો હતો. જ્યારે તેની સાથેના તેના અન્ય બે સહકારીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યાહતા. હાથીના હુમલામાં માર્યા ગયેલા યુવકનું નામ શ્રીકાંત રામચંદ્ર સતરે (૨૩) છે. તે ચંદ્રપુર જિલ્લાના મૂલ તાલુકાના ભુજલા ગામનો રહેવાસી હતો. ગઢચિરોલીમાં એક જ વર્ષમાં હાથીના હુમલામાં છ જણના જીવ ગયા છે.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ગઢચિરોલીના આબાપૂર વિસ્તારમાં હાલ કેબલ નાંખવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. શ્રીકાંત સતરે તેના બે સાથી શ્રમિકો સાથે અહીં કેબલ નાખવા આવ્યો હતો. દરમિયાન આ ભાગમાં જંગલી હાથીઓ આવ્યા હોવાની જાણ શ્રીકાંતને થતા તે અને તેના બે સાથી મળી ત્રણ જણ આજે સવારે હાથીને જોવા જંગલમાં ગયા હતા.
આ દરમિયાન આ ત્રણેયને એક હાથી જોવા મળ્યો હતો. શ્રીકાંત અતિઉત્સાહમાં આવી ગયો હતો અને તેણે હાથીની એકદમ પાસે જઇ સેલ્ફી કાઢવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન હાથી વિફર્યો હતો અને તેણે શ્રીકાંત પર હુમલો કરી તેને કચડી દીધો હતો. આ હુમલામાં ગંભીર ઇજા પામેલા શ્રીકાંતનું ઘટનાસ્થળે જ દર્દનાક મોત થયું હતું. આ દ્રશ્ય જોઇ શ્રીકાંત સાથેના તેના અન્ય બે સાથીશ્રમિકો ે ત્યાંથી ભાગી છૂટતા તેમના જીવ બચી ગયા હતા.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પંચનામુ હાથ ધર્યું હતું. હુમલો કરનાર ટસ્કર હાથી પહેલા આતગાવ અને ત્યારબાદ ગઢચિરોલી વન પરિક્ષેત્રમાં આવ્યો હતો અને ત્યાર બાદ કુનઘાડા વનક્ષેત્રમાં પ્રવેશ્યો હતો.
અહીંના જંગલોમાં છેલ્લા એકવર્ષમાં હાથીના હુમલાં છ જણના મોત થયા છે. ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ આરમોરી તાલુકાના પળસગાવ-ડોંગરગાવ નામના વનવિભાગના એક ડ્રાઇવરને ઠાર માર્યો હતો. ત્યારબાદ ૧૭ ઓકટોબર, ૨૦૨૩ના અહીંના ધિમનાના ખેડૂત હોમાજી ગુરનુલેને હાથીએ તેમના જ ખેતરમાં કચડી માર્યા હતા. જ્યારે આ વર્ષે ઉનાળામાં ભામરાગઢના હિંદૂરમાં બે મહિલાને હાથીએ કચડી મારી હતી. ત્યાર બાદ આજે ચાર્મોશીમાં હાથીના હુમલામાં શ્રીકાંતનું મોત થયું હતું.