નવાબ મલિકને કાયદાકીય રીતે બીમાર ગણવા કે નહીં
જામીન અંગે વિચારણા પહેલાં હાઈકોર્ટનો સવાલ
'અન્યથા તેમણે પોતાના વારાની રાહ જોવી પડશે, કોર્ટ પાસે અન્ય મહત્ત્વના કેસ છે '
મુંબઈ : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન નવાબ મલિકના વકિલને બોમ્બે હાઈ કોર્ટે સવાલ કર્યો હતો કે પહેલાં એ સમજાવો કે નવાબ મલિક ખરેખર બીમાર છે કે નહીં જેથી તેમની જામીન અરજી તાકીદના ધોરણે હાથ ધરી શકાય. કોર્ટે વકિલને એમ પણ જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ લદાયેલી બે શરતો હેઠળ ખરેખર માંદી વ્યક્તિ કોને કહી શકાય કે જે જામીનને પાત્ર હોઈ શકે એ જણાવવામાં આવે.
જો અમે તબીબી કારણોસર સંતુષ્ટ નહીં થઈ શકીએ તો તમારે તમારો વારો આવે એની રાહ જોવી પડશે. અન્ય બીજી મહત્ત્વની બાબતો છે આવતીકાલે મને કોઈ કંઈ કહે એવું હું ઈચ્છતો નથી. ઈડી વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે દલીલ કરી હતી કે મલિક કાયદાની જોગવાઈ હેઠળ બીમાર નથી. કોર્ટે જામીન અરજીની સુનાવણી ૨૧ ફેબુ્રઆરી પર રાખીને બંને પક્ષના વકિલોને માત્ર મલિકની તબીબી સ્થિત પર દલીલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સુનાવણી દરમ્યાન જણાવાયું છે કે મલિકની એક કિડની નકામી થઈ ગઈ છે. છતાં હોસ્પિટલ તેમને રજા આપી રહી છે. છેલ્લાં કેટલાંક મહિનાથી મલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પીએમએલએલ પ્રકરણમાં મલિકની ધરપકડ ૨૩ ફેબુ્રઆરી ૨૦૨૨ના રોજ કરવામાં આવી હતી.