બદલાપુર કેસમાં દોષિત પોલીસ અધિકારી સામે શું પગલાં લીધાં? હાઈકોર્ટનો સવાલ
એફઆઈઆર નોંધવા વાલીને 11 કલાક બેસાડી રાખ્યા હતા
ખાતાકીય તપાસનો અહેવાલ કમિશનરને સોંપાયો હોવાન રાજ્ય સરકારની કોર્ટની રજૂઆત
મુંબઈ : બદલાપુરની સ્કૂલમાં બે બાળકી સાથે જાતીય અત્યાચારના કેસની તપાસ અને એફઆઈઆર નોંધવામાં બેદરકારી કરનારા પોલીસ અધિકારી સામે લીધેલા પગલાં વિશે બોમ્બે હાઈકોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો હતો.
દોષિત બદલાપુર પોલીસ અધિકારી સામે ખાતાકીય તપાસ શરૃ કરાઈ હોવાની કોર્ટે નોંધ કરી હતી. એડવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે કોર્ટને જણાવ્યું હતું કે ખાતાકીય તપાસ અનુસાર એક અધિકારી દ્વારા ફરજ પ્રત્યે બેદરકારી વર્તાઈ હોવાનું જણાયું છે. અહેવાલ પોલીસ કમિશનરને યોગ્ય પગલાં માટે મોકલાવાયો છે.
આકેસનો પુરુષ અટેન્ડન્ટ આરોપીની ધરપકડ કરાઈ હતી અને બાદમાં પોલીસ સાથેના ગોળીબારમાં તેનું મોત થયું હતું. હાઈકોર્ટે ઘટનાની સ્વેચ્છાએ દખલ લીધી હતી અને તપાસનું નિરીક્ષણ કરી રહી છે.કોર્ટે છ સપ્તાહ માટે સુનાવણી મોકૂફ રાખીને આગામી તારીખે દોષિત પોલીસ અધિકારી સામે લેવાયેલા પગલાંની જાણ કરવાનું જણાવ્યું છે.
બંને પીડિતાના કલ્યાણ માટે તમામ પગલાં લેવાયા હોવાનું પણ સરાફે કોર્ટને જણાવ્યંં હતું.શૈક્ષણિક સંસ્થાઓમાં અને શાળાઓમાં બાળકોની સલામતીને મુદ્દે અભ્યાસ કરવા કમિટી સ્થાપવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. આ કમિટીને આગામી સુનાવણીમાં રિપોર્ટ રજૂ કરવા જણાવાયું છે.
મનોધૈર્ય યોજના હેઠળ વળતરની રકમ પણ આપવામાં આવી હોવાનું સરાફે જણાવ્યું હતું.