હિંદુ નવવર્ષના સ્વાગતમાં આજે મુંબઈમાં ઠેરઠેર ગુડીઓ ઊભી કરી શોભાયાત્રા યોજાશે

- હવે ચૈતરના વાયરા વાશે ને સાથે તહેવારોની મોસમ ઉજવાશે!

Updated: Apr 6th, 2019


Google NewsGoogle News
હિંદુ નવવર્ષના સ્વાગતમાં આજે મુંબઈમાં ઠેરઠેર ગુડીઓ ઊભી કરી શોભાયાત્રા યોજાશે 1 - image


- શોભાયાત્રા દરમ્યાન આ વર્ષે દેશભક્તિ સહિત વિવિધ સામાજિક સંદેશાઓના દેખાવ ઃ મહિલા લેઝિમ પથકનું વિશેષ આકર્ષણ રહેશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા.૫

ચૈત્ર મહિનાનો પ્રથમ દિવસ એટલે ખાસ કરી મહારાષ્ટ્રીયનો સહિત સમગ્ર હિંદુઓ માટે નવું વર્ષ. આ દિવસને 'ગુડીપાડવા' તરીકે ઉજવવાની પરંપરા મુંબઈ સહિત મહારાષ્ટ્રભરમાં વર્ષાનુવર્ષોથી ચાલતી આવી છે. ત્યારે આ ગુડીપડવા નિમિત્તે મુંબઈમાં પણ તેનો પૂરતો રંગ જોવા મળી રહ્યો છે. સાથેજ આજ દિવસથી ચૈત્રી નોરતાંનો પણ પ્રારંભ થતો હોવાથી ઠેરઠેર માઈ મંદિરોમાં પણ શ્રદ્ધાળુઓની ભીડો જામશે એ ચોક્કસ છે. 

મુંબઈમાં હિંદુ નવાવર્ષનું આગમન આગમન વિવિધ શોભાયાત્રાઓ દ્વારા કરવામાં આવશે. લોઅર પરેલ-લાલબાગ-કાલાચોકી વિસ્તારમાં ગિરણગાંવ શોભાયાત્રા, ગિરગાંવ શોભાયાત્રા સહિત મુલુંડ, કલ્યાણ, બોરીવલી, દહિંસર, દહાણુ જેવા અનેક પરાંઓમાં પણ આગવી રીતે શોભાયાત્રાઓ ગુડીપાડવાને પ્રસંગે નીકળશે. મુંબઈમાં વિવિધ શોભાયાત્રા દરમ્યાન મહારાષ્ટ્રીયન વેશભૂષા પર માથે સાફો બાંધીને બાઈકસવાર મહિલા-તથા પુરુષો તેમજ વિવિધ પારંપારિક મહાન વિભૂતીઓની વેશભૂષામાં સજ્જ લોકો ગુડી પાડવાની શોભાયાત્રામાં ખાસ આકર્ષણરુપ રહે છે.

આ વર્ષે શોભાયાત્રામાં મતદાન જાગૃતિ, સર્જિકલ સ્ટ્રાઈક પરના દેખાવ જોવા મળશે. ઉપરાંત ગિરગાંવમાં ભવ્ય રંગોળીના રંગો સાથે મેયરની ઉપસ્થિતીમાં શોભાયાત્રાની શરુઆત થશે. જેમાં મુંબઈના પ્રસિદ્ધ ઢોલ પથકના ૨૫૦ કલાકારોનું નૃત્ય, કોંકણના વિવિધ નૃત્ય રજૂ કરતાં કલાકારો તથા મહિલાઓનું લેઝિમ પથક સૌને આકર્ષિત કરશે.

નાતજાતના ભેદભાવ ભૂલી મુલુંડની ગુજરાતી માધ્યમની શાળામાં શનિવારે ઉજવાયો 'ગુડી પડવો'

ગુડી પડવાને દિવસે જાહેર રજા પાળવામાં આવતી હોવાથી અનેક શૈક્ષણિક સંસ્થા તથા ઓફિસોમાં આજે ગુડીપાડવાનો તહેવાર ઉજવાયો હતો. જોકે ખાસ વાત તો એ છે કે આજે જ્યાં લોકો નાતજાતના નામે લડી રહ્યા છે, ત્યારે દેશનું ભવિષ્ય ગણાતાં બાળકોનું ઘડતર કરનારા શિક્ષકોએ નવો આદર્શ ઊભો કર્યો હતો. મુલુંડની ગુજરાતી માધ્યમની શેઠ મોતીભાઈ પચાણ રાષ્ટ્રીય શાળામાં પણ શનિવારે આ ઉત્સવની વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જ્ઞાાન લઈ ઉત્સાહભેર ઉજવણી કરી આ શાળામાં ભણાવતાં મહારાષ્ટ્રીયન શિક્ષકોને વધામણી આપી હતી.

આવા એકતાના પાઠ શિખવતાં શિક્ષકોને કારણેજ આજે ભારતમાં વિવિધતામાં એકતા ટકેલી છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ ઠરતી નથી.



Google NewsGoogle News