વેબ સિરીઝના આસિ. ડાયરેક્ટરનું ડેટિંગ પાર્ટનર દ્વારા સેક્સટોર્શન
ડેટીંગ એપ પર ગર્લફ્રેન્ડની જગ્યાએ ફ્રોડસ્ટર ભટકાઈ
અશ્લીલ ચેટિંગ અને કૃત્યો કરવા કહ્યું પછી તેનો વીડિયો મોકલાવ્યો, એકવાર પૈસા આપ્યા પછી બીજા નંબર પરથી પણ ઉઘરાણી શરુ થઈ
મુંબઈ : મુંબઈના એક વેબ સિરીઝના આસીસ્ટન્ટ ડાયરેક્ટર ને ડેટીંગ એપ પર ફ્રેન્ડ બનેલી મહિલા સાથે મિત્રતા કર્યા બાદ તેના જણાવ્યા પ્રમાણે 'કૃત્ય' કરવું ભારે પડી ગયું હતું. અસલમાં આ મહિલા ફ્રોડસ્ટર હોઈ તેણે પીડિત આધેડને તેનો અશ્લીલ વીડિયો મોકલ્યો હતો અને તે સોશિયલ મીડિયા પર સર્કયુલેટ ન કરવા માટે ૩૫ હજાર વસૂલ્યા હતા.
આ રકમ બાદ પીડિતને બીજા નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે ૪૦ હજારની રકમ માગતા પીડિત ગભરાયો હતો અને તેણે પોલીસમાં ફરિયાદ કરતા માલવણી પોલીસે અજાણી મહિલા સામે સેક્સટોર્શનનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
આ સંદર્ભે વધુ માહિતી મુજબ વેબ સિરીઝમાં આસીસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કરતો ૪૬ વર્ષીય ફરિયાદી થોડા દિવસ પહેલાં એક લગ્નમાં ભાગ લેવા કલકત્તા ગયો હતો. આ દરમિયાન તેણે એક ડેટીંગ એપ ડાઉનલોડ કરી હતી. આ ડેટીંગ એપના માધ્યમથી તે એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો.
આ મહિલા થોડા સમયમાં જ ફરિયાદીની વધુ 'ક્લોઝ' આવી ગઈ અને તેની સાથે અશ્લીલ ચેટીંગ કરવા લાગી હતી. આ દરમિયાન મહિલાએ તેને અમુક અશ્લીલ કૃત્યો કરવા જણાવ્યું હતું અને ફરિયાદીને વીડિયો કોલ કર્યો હતો. આ સાથે જ ફરિયાદીને પર્સનલી મળવા જણાવ્યું હતું.
જોકે બીજા દિવસે ફરિયાદીના આશ્ચર્ય વચ્ચે તેના વોટ્સએપ પર તેનો જ અશ્લીલ વીડિયો આવ્યો હતો. આ વીડિયો જોઈ ફરિયાદી હેબતાઈ ગયો હતો. ત્યારબાદ ફ્રોડસ્ટર મહિલાએ જો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ન કરવો હોય તો ૩૫ હજાર આપવા જણાવ્યું હતું. ડરી ગયેલા ફરિયાદીએ તરત જ ૩૫ હજાર રૃપિયા મોકલી આપ્યા હતા.
ત્યારબાદ ફરિયાદીને બીજા નંબરથી મેસેજ આવ્યો હતો જેમાં તેનો અશ્લીલ વીડિયો વાયરલ ન કરવા વધુ રૃા.૪૦ હજારની માંગણી કરવામાં આવી હતી. આ વાતથી ગભરાઈ ગયેલા ફરિયાદીએ તરત જ માલવણી પોલીસનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદ નોંધાવતા માલવણી પોલીસે અજાણી મહિલા સામે આઈપીસીની કલમ ૩૮૫, ૩૪, ૫૦૬ અને આઈટી એક્ટની કલમ ૬૬ (ઈ) ૬૬ (ડી) તેમજ ૬૬ (એ) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.