Get The App

મહારાષ્ટ્રમાં હવામાન તોફાની બન્યું : મુંબઇમાં ગરમીનો પારો ઉંચો જવાનો સંકેત

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં હવામાન  તોફાની બન્યું : મુંબઇમાં ગરમીનો પારો ઉંચો જવાનો સંકેત 1 - image


મુંબઇનું લઘુત્તમ તાપમાન (23.0 ડિગ્રી) આખા રાજ્યમાં સૌથી ઉંચું રહ્યું

 વિદર્ભના નાગપુર,ભંડારા,યવતમાળ, ચંદ્રપુરમાં ગગન ગાજી ઉઠ્યું : યવતમાળમાં કરાનું તોફાન 

મુંબઇ :   મુંબઇ  સહિત આખા મહારાષ્ટ્રનું હવામાન ઉપરતળે  થઇ રહ્યું છે. મુંબઇમાં વહેલી સવારે ઠંડા પવનો ફૂંકાય જ્યારે બપોરે ગરમી અને બફારાનો અનુભવ થઇ રહ્યો છે.

બીજીબાજુ   છેલ્લા ત્રણ-ચાર દિવસથી મહારાષ્ટ્રના વિદર્ભ અને મરાઠવાડામાં  મેઘગર્જના,વીજળીના  પ્રચંડ કડાકાભડાકા, તોફાની પવન સાથે વરસાદ અને કરા પડવાનો કમોસમી માહોલ સર્જાયો છે.

હવામાન ખાતાએ હજી આવતા ૨૪ કલાક દરમિયાન વિદર્ભમાં અને મરાઠવાડામાં આવો જ કમોસમી માહોલ સર્જાવાનો વરતારો આપ્યો છે.

હવામાન ખાતાએ  એવી માહિતી આપી હતી કે આજે મુંબઇના કોલાબામાં મહત્તમ તાપમાન૩૨.૨ અને લઘુત્તમ તાપમાન ૨૩.૦ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૪.૨ અને લઘુત્તમ તાપમાન ૨૨.૫ ડિગ્રી સેલ્સિયસ  નોંધાયું હતું. 

આજે કોલાબાનું લઘુત્તમ તાપમાન ૨૩.૦ ડિગ્રી સેલ્સિયસ આખા મહારાષ્ટ્રમાં સૌથી ઉંચું લઘુત્તમ તાપમાન રહ્યું હતું. 

આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૮ --૬૧ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૭ --૪૩ ટકા રહ્યું હતું.

આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇમાં ગરમીનો પારો ઉંચો રહેવાની શક્યતા છે.એટલે કે મુંબઇમાં મહત્તમ તાપમાન ૩૪.૦ થી ૩૬.૦ ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમાન ૨૩.૦ થી ૨૨.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગના નાગપુર કેન્દ્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મોહન લાલ સાહુએ   ગુજરાત સમાચારને એવી  માહિતી  આપી હતી કે આજે સાંજે ચાર વાગ્યા બાદ  નાગપુર સહિત ભંડારા,ચંદ્રપુર, ગોંદિયા(ઓરેન્જ  એલર્ટ)માં મેઘગર્જના,વીજળીના ચમકારા, તીવ્ર પવન,વરસાદ સાથે કરા પડવાનું જબરું તોફાન સર્જાયું હતું. સાથોસાથ, વિદર્ભના જ અમરાવતી,બુલઢાણા,ગઢચિરોળી, વર્ધા, યવતમાળ(યલો  એલર્ટ) વગેરે જિલ્લામાં પણ ગાજવીજ, તીવ્ર પવનનું વાતાવરણ સર્જાયું હતું. 

નાગપુરના આકાશમાં ચોમાસાની જેમ કાળાં ડિબાંગ વાદળોનો જમઘટ જામ્યો હતો. જોતજોતામાં નાગપુર શહેરમાં અને નજીકના પરિસરમાં ૫૦-૬૦ કિલોમીટરની  ગતિએ  તોફાની પવન પણ ફૂંકાયો હતો. આવા અચાનક બદલાયેલા હવામાનથી નાગપુરનાં નાગરિકોમાં આશ્ચર્ય સાથે થોડી ચિંતા પણ રહી હતી. 

નાગપુર અને તેની આજુબાજુનાં સ્થળોએ છેલ્લા ચારેક  દિવસથી  ગાજવીજ,તીવ્ર પવન,વરસાદ,કરાનો કમોસમી માહોલ સર્જાતો હોવાથી ખેડૂતોમાં ઘેરી ચિંતા ફેલાઇ છે. નાગપુર સંતરા માટે આખા ભારતમાં જાણીતું  છે. કમોસમી વરસાદ અને કરાને કારણે  સંતરા અને કેરીના પાકને ભારે નુકસાન થવાની ચિંતા વ્યક્ત થઇ રહી છે. 

યવતમાળમાં તો અમુક સ્થળોએ વરસાદ સાથે કરા પણ પડયા  હોવાના સમાચાર મળે છે.  

હવામાન ખાતાએ એવો વરતારો  આપ્યો છે કે હાલ વિદર્ભના આકાશમાં ૧.૫ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે.સાથોસાથ,કર્ણાટકથી વિદર્ભના ગગનમાં હવાના હળવા દબાણનો પટ્ટો પણ સર્જાયો છે. ઉપરાંત, બે વિરુદ્ધ દિશાના પવનોની જબરી ટક્કર પણ થઇ રહી છે.

આવાં  બદલાયેલાં કુદરતી  પરિબળોની વ્યાપક અસરથી  હજી આવતા ૨૪ કલાક દરમિયાન વિદર્ભના અમરાવતી,ભંડારા,ચંદ્રપુર,ગઢચિરોળી,ગોંદિયા,નાગપુરમાં અને મરાઠવાડાના નાંદેડ, લાતુર, હિંગોળી,પરભણીમાં  ગાજવીજ,તીવ્ર પવનનું વાતાવરણ સર્જાય તેવી શક્યતા છે. 

આજે વિદર્ભનું વાશીમ  ૩૮.૬ ડિગ્રી સાથે આખા મહારાષ્ટ્રનું સૌથી હોટ સ્થળ રહ્યું હતું. જ્યારે પુણે ૧૬.૧ ડિગ્રી સેલ્સિયસ સાથે આખા રાજ્યનું સૌથી કૂલ સ્થળ રહ્યું હતું.



Google NewsGoogle News