ધારાવી રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ અદાણીના હાથમાંથી છીનવી લેશું : ઉધ્ધવ ઠાકરે

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
ધારાવી રિડેવલપમેન્ટનો પ્રોજેક્ટ અદાણીના હાથમાંથી છીનવી લેશું : ઉધ્ધવ ઠાકરે 1 - image


મહાવિકાસ આઘાડી સત્તા પર આવશે તો

મુંબઈને કોઈપણ ભોગે અદાણી સિટી બનવા નહીં દઈએ

મુંબઈ: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની અમારી સરકાર સત્તામાં આવશે તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીને ફાળવવામાં આવેલા ધારાવી સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ટેન્ડરને રદ્દબાતલ કરાશે, એમ શિવસેના (યુ.બી.ટી.)ના વડા ઉધ્ધવ ઠાકરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

મારી પાર્ટી ધારાવીના રહેવાસીઓ અને વ્યવસાય કરનારાને ખાતરી આપે છે કે તેમને અહીંથી હટાવવા દઈશું નહિ. એટલું જ નહિ ત્યાં રહેતા લોકોનું તેમના જ વિસ્તારમાં પુનર્વસન કરીને ૫૦૦ ચો. ફૂટનું ઘર મળવું જોઈએ એમ ઉધ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.

અમે સત્તામાં આવ્યા પછી ધારાવી સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના ટેન્ડરને રદ કરી દઈશું. સરકારે પોતે જ ટેન્ડર કેમ રદ્દ ન કરવું જોઈએ તેનો જવાબ આપવો જોઈએ. અમે મુંબઈને અદાણી શહેરમાં ફેરવવા દઈશું નહિ એમ ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઠાકરેએ જણાવ્યું હતું.

વિશ્વના સૌથી ગીચ શહેરી વિસ્તારો પૈકીના ધારાવીના રિડેવલપમેન્ટ પ્રોજેકટમાં અદાણી જૂથને આપેલા કોન્ટ્રાક્ટમાં તેમને વધારાની છૂટ આપવાનો ઉલ્લેખ નથી. છતાં વધારે છૂટ આપવામાં આવી રહી છે એવો આક્ષેપ ઠાકરેએ કર્યો હતો.

અમે વધારાની છૂટ આપીશું નહીં. ધારાવીના રહેવાસીઓ માટે શું સારું છે તે અમે જોઈશું અને જરૂર પડશે તો અમે નવેસરથી  ટેન્ડર બહાર પાડીશું એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

ધારાવીના પ્રત્યેક ઘરને નંબર આપવામાં આવી રહ્યા છે. સરકાર ધારાવીના રહેવાસીઓને પાત્રતા અને અયોગ્યતાના જાળમાં ફસાવીને પછી ધારાવીમાંથી બહાર ભગાડવા માંગે છે એમ તેમણે જણાવ્યું હતું.

સરકાર ધારાવી રહેવાસીઓના પુનર્વસન અને સ્લમ રિડેવલપમેન્ટ યોજના હેઠળ જમીન પ્રાપ્તીનો પ્રયાસ કરી રહી છે. સરકારે શહેરમાં ૨૦ જંગી પ્લોટ ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે માળખાકીય અને વિકાસ કાર્યો સંબંધિત યોજના અંતર્ગત હોવાનો દાવો ઠાકરેએ કર્યો હતો.

આ પ્રકારે શહેરને અસંતુલન તરફ દોરી જશે કારણ કે ઘણાં સ્થાનો પર ધારાવીના રહેવાસીઓને સ્થળાંતરિત કરવામાં આવશે. તેથી ત્યાં હાલના ઈન્ફ્રાસ્ટ્રકચર પર તણાવ થશે, એમ ઠાકરે ધ્યાન દોર્યું હતું.

ધારાવી પ્રોજેક્ટથી આશરે ૨૦ હજાર કરોડ રૂપિયાની આવકની સંભાવના છે. તેમાં બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ બિઝનેસ ડિસ્ટ્રિક્ટની નજીક મધ્ય મુંબઈમાં આવેલી વિશાળ સ્લમ રિડેવલપમેન્ટનો સમાવેશ થાય છે.

સ્પર્ધાત્મક બિડિંગ પછી નવેમ્બર ૨૦૨૨માં અદાણી પ્રોપર્ટીઝને ટેન્ડર આપવામાં આવ્યું હતું. જેમાં રિયલ્ટી મેજર ડીએલએફ અને નમન ડેવલપર્સે પણ ભાગ લીધો હતો.



Google NewsGoogle News