મુંબઈને પાણી આપતાં જળાશયો પાસેના ૪૨ ગામોમાં પાણીની તંગી
ઉનાળાની શરુઆતમાં જ પાણી માટે પોકાર વધુ તીવ્ર બન્યા
કૂવાઓ સૂકાઈ ગયા છે ટેન્કરો વધુ મોકલવા ગ્રામજનોનો પોકાર
મુંબઈ : થાણે જિલ્લાના શાહપુર તાલુકામાં પાણીની અછતનો પ્રશ્ન વિકટ બનતા વહીવટીતંત્રે વધુ વોટર ટેન્કરો મંગાવવા પડયા છે. વર્ષ ૨૦૨૩ના સમાન સમયગાળામાં ૨૬ નાના અન ે મોટા ગામમાં પાણીની અછત હતી જ્યારે વર્ષ ૨૦૨૪માં ૪૨ નાના, મોટા ગામમાં પાણીની ઉપલબ્ધતા ઘટી છે. ચાર માર્ચ સુધીમાં ગયા વર્ષે ૯૮૭૧ લોકો પાણીની અછતથી અસરગ્રસ્ત થયા હતા જે સંખ્યા ૧૨,૬૮૩ થઈ છે.
ગત વર્ષમાં ૮ ગામ અને ૧૮ નાના ગામમાં પાણીની સમસ્યા હતી જ્યારે વર્ષ ૨૦૨૪માં આ સંખ્યા વધીને ૮ ગામ અને જિલ્લા પરિષદે બુધવારે રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં વિગતો આપવામાં આવી હતી. વહીવટીતંત્રે ગયા વર્ષે ૮ ટેન્કર મંગાવવા પડયા હતા જે આ વર્ષે વધીને હજી સુધી ૧૫નો થઈ ગયો છે.
હજુ એક સપ્તાહ અગાઉ પાણીની અછતની સમસ્યા ૫૯૯૯ ગ્રામજનોને હતી જે વધીને ૧૨,૬૮૩ થઇ છે. અહીંના ગામોના કૂવાઓ સુકાઈ ગયા છે.
થાણે કલેકટરે થોડા સમય અગાઉ કહ્યું હતું કે વર્ષ ૨૦૨૩માં ચોમાસું વહેલું ખેંચાઈ ગયું હોવાથી ભૂગર્ભના પાણીના સ્ત્રોત સૂકાઈ ગયા છે. ગ્રામજનો વધુ ટેન્કર મંગાવવાની માગણી કરી રહ્યા છે.
શાહપુર મુંબઈથી લગભગ ૭૩ કિલોમીટર દૂર છે. શાહપુર તાલુકાના વૈતરણા, તાન્સા, અને ભાત્સા ડેમમાંથી મુંબઈને લાખો લિટર પાણી મોકલવામાં આવે છે.
શાહપુરથી દૂર આવેલા કેટલાક ગામોના ગ્રામજનોએ સાંજનું ભોજન પતાવીને પાસેના જંગલમાં જવું પડે છે જ્યાં બે ખડક વચ્ચેના ગેપમાં પાણીનો સ્ત્રોત છે. વનમાંના જળસ્ત્રોતમાંથી પાણી મેળવવા લાઈન લાગે છે.