મરાઠવાડામાં પાણીની તંગી, ખેડૂતોના આપઘાત, જરાંગેનું અનામત આંદોલન સળગતા મુદ્દા
આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસ પહોંચ્યો નથી, બેરોજગારી સહિતના પ્રશ્નો
લોકસભા ચૂંટણીમાં આઠ માંથી સાત બેઠકો મહાયુતિને મળી હતી જ્યારે ભાજપનું ખાતું જ ખુલ્યું ન હતું, મહાયુતિનો આધાર લાડકી બહિનની લ્હાણી પર
મુંબઈ : સમગ્ર મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ માટે સૌથી કપરી મહેનત માગી લેતો વિસ્તાર મરાઠવાડા છે. અહીં લોકસભાની આઠ બેઠકોમાંથી શાસક મહાયુતિને અને તે પણ શિંદેની શિવસેનાને એક જ બેઠક મળી હતી. બાકીની સાતેય બેઠક વિપક્ષી આઘાડી લઈ ગઈ હતી. લોકસભા ચૂંટણીમાં મનોજ જરાંગે પાટિલનાં અનામત આંદોલને અસર ભજવી હોવાનું મનાય છે. આ વખતે મનોજ જરાંગેએ ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કર્યા બાદ છેલ્લી ઘડીએ માંડી વાળ્યું હતું. તેનું ફેક્ટર એટલું જ અસરકારક રહેશે કે કેમ તે અંગે મતમતાંતર છે. જોકે, અનામતના જાતિ ગણિતને બાદ કરતાં પણ પાણીની કારમી તંગી, ખેડૂતોના આપઘાત તથા દાયકાઓ બાદ પણ વિકાસ કાર્યોનો અભાવ સહિતના મુદ્દા શાસક મહાયુતિ માટે ભારે પડકારરુપ બન્યા છે.
મરાઠવાડા જેનો અર્થ થાય છે 'મરાઠી-ભાષી લોકોનું ઘર', હૈદરાબાદના નિઝામના શાસનના સમયગાળા દરમિયાન મરાઠી-ભાષી વસ્તી દ્વારા કબજો કરવામાં આ આવેલો વિશાળ વિસ્તાર હતો. ત્યારબાદ મરાઠવાડાને અગાઉના બોમ્બે રાજ્યમાં એકીકૃત કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્રનો મરાઠવાડા પ્રદેશ કેટલાક ભારતીય રાજ્યો અને કેટલાક યુરોપિયન દેશો કરતાં મોટો છે.જોકે, આ વિસ્તારની દાયકાઓથી અવગણના થઈ હોવાથી હંમેશાં તે માઠી ઘટનાઓ સંદર્ભમાં જ સમાચારોમાં ચમકે છે.
વર્ષ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં, અવિભાજિત શિવસેનાએ ચાર અને ભાજપે ત્રણ બેઠકો જીતી હતી જ્યારે અસદુદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળની એ આઈ એમ આઈ એમ એ એક બેઠક જીતી હતી.વર્ષ ૨૦૨૪ માં, જો કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપ એક પણ બેઠક જીતી શક્યું ન હતું .પરંતુ એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ એક બેઠક જીતી હતી. બીજી બાજુ, વિપક્ષી મહા વિકાસ આઘાડીએ સાત બેઠકો જીતી હતી. જેમ કોંગ્રેસ - ૩ બેઠકો, ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુ બી ટી) - ત્રણ બેઠકો અને શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી(એસપી) એક બેઠક નો સમાવેશ થાય છે
રાજકીય વર્તુળો માને છે કે મરાઠવાડામા ંજે પક્ષ ખેડૂતોને તેમના પ્રશ્નોના ઉકેલ માટે મનાવી શકે તે ફાવી શકે છે. અહીં કપાસ સોયાબીન સહિતના પાક ઉગાડતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. ખેડૂતો સતત દેવાંના બોજ હેઠળ દટાયેલા રહે છે. ભારતભરમાં વસતીના પ્રમાણમાં ખેડૂતોની આત્મહત્યાનંવ પ્રમાણ અહીં બહુ જ ઊંચું છે.
અગાઉ ગોપીનાથ મુંડએ બીડથી અહીં ભાજપ માટે સારું વર્ચસ્વ જમાવ્યું હતું. તેમના અવસાન પછી તેમની દીકરી પ્રિતમ મુંડે અહીં સતત જીતતી રહી હતી. પરંતુ ગત ચૂંટણીમાં ભાજપે પ્રિતમને બદલે તેમના બહેન અને રાજ્યનાં માજી મંત્રી પંકજા મુંડેને ટિકિટ આપી હતી પરંતુ જાતિવાદી ગણિતના કારણે તેમનો પરાજય થયો હતો.
આ વખતે પરલીથી તેમના પિતરાઈ ભાઈ એનસીપી (એપી) થી ધનંજય મુંડે ચૂંટણી લડી રહ્યા છે. વર્ષ ૨૦૧૯ માં, ધનંજયે પંકજાને હરાવ્યા હતા, જો કે, હવે તેઓએ પેચ અપ કર્યું છે, ભાજપના એક વરિ નેતાએ જણાવ્યું હતું. બીજી તરફ, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનના પુત્ર અમિત દેશમુખનો મુકાબલો લાતુર શહેરમાં ભૂતપૂર્વ લોકસભા અધ્યક્ષ શિવરાજ પાટીલ-ચાકુરકરની વહુ ડા. અર્ચના પાટીલ-ચાકુરકર સાથે છે. અમિત દેશમુખ માટે બોલીવૂડનો સ્ટાર અને તેમનો ભાઈ રીતેશ દેશમુખ ધૂમ પ્રચાર કરી રહ્યો છે અને તેની સભાઓમાં ફિલ્મી ગ્લેમરનાં આકર્ષણને લીધે ટોળાં પણ ઉમટી રહ્યાં છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણની પુત્રી શ્રીજયા ચવ્હાણ ભાજપ માટે ભોકર બેઠક પરથી ચૂંટણી લડી રહી છે . જેનું પ્રતિનિધિત્વ અગાઉ તેમના પિતા, માતા અમીતા ચવ્હાણ અને સ્વર્ગસ્થ દાદા શંકરરાવ ચવ્હાણે કર્યું હતું. મરાઠવાડાની આકરી પીચ પર સફળતા મેળવવા માટે ભાજપે અશોક ચવ્હાણને પક્ષમાં એન્ટ્રી આપી રાજ્યસભાના સભ્ય બનાવ્યા છે. પરંતુ, ગત લોકસભા ચૂંટણીમાં તેઓ કોઈ ખાસ ચમત્કાર સર્જી શક્યા ન હતા.
સ્થાનિક રહીશો કહે છે કે મરાઠવાડાએ અનેક નેતાઓ આપ્યા છે. પરંતુ, ચૂંટાયા પછી તેઓ સ્થાનિક પ્રશ્નો ભૂલી જાય છે. અનેક સિંચાઈ યોજનાઓની જાહેરાત છતાં પણ અહીં પાણીનો પ્રશ્ન વિકટ છે. છત્રપતિ સંભાજી નગરમાં દસ દિવસે એકવાર પાણી મળે છે. ગ્રામ્ય વિસ્તારોમાં વધુ કફોડી હાલત છે. આ સંજોગોમાં મહાયુતિ માત્ર મરાઠાઓના રોષ પર આધાર રાખીને બેસી રહી શકે નહીં. ખેડૂતો તથા પાણી મુદ્દે તેણે નક્કર યોજનાઓ રજૂ કરી મતો આકર્ષવા પડે તેમ છે.