સમગ્ર મુંબઈમાં આજથી 2 દિવસ 10 ટકા સુધીનો પાણી કાપ
વૈતરણાની મુખ્ય લાઈનના વાલ્વમાં ખામી
વાલ્વના સમારકામાં 48 કલાકનો સમય લાગશેઃ ભાંડુપ કોમ્પ્લેક્સમાં સપ્લાય ઘટયો
મુંબઈ : વૈતરણાની પાઈપલાઈનનો વાલ્વ ખરાબ થતાં સમારકામના લીધે આવતીકાલે અને શુક્રવારે એમ બે દિવસ માટે સમગ્ર મુંબઈમાં પાંચથી દસ ટકાનો પાણી કાપ રહેશે.
થાણે જિલ્લાના તરલી ખાતે વૈતરણા જળાશયથી આવતી પાઇપ લાઇન પરનો ૯૦૦ મિ મી.વ્યાસ વાલ્વ ખરાબ થઈ ગયો છે. તેથી, પાણીની પાઇપલાઇનની સિસ્ટમ આંશિક રીતે બંધ કરવામાં આવી છે. પરિણામે, મુંબઈ મહાનગરને પાણી સપ્લાય કરતા ભાંડુપ ખાતેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને પાણી પુરવઠામાં પાંચ થી ૧૦ ટકાનો ઘટાડો થયો છે. આ વાલ્વનું સમારકામ કરવામાં ૪૮ કલાકનો સમય લાગી શકે છે. તેથી ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ સમગ્ર મુંબઈમાં માટે પાંચથી ૧૦ ટકા પાણીનો કાપ મૂકવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે શહેરને પાણી પૂરું પાડતાં જળાશયોમાં હાલ ૧૦૦ ટકાની લગોલગ પાણી સંગ્રહ છે. આથી, શહેરને આગામી જુલાઈ સુધી પાણીની કોઈ તંગી નહીં પડે તેવો મહાપાલિકાનો દાવો છે.