નવી મુંબઈમાં પાણીની કટોકટી, સપ્તાહમાં 2 દિવસ કાપ જાહેર
મોટબે ડેમના પાણીના રિઝર્વ જથ્થાનો ફક્ત 29 ટકા બચ્યો
બેલાપુર, તુર્ભે, નેરુલ, વાશી, ઘણસોલી અને કોપર ખૈરણેમાં રહીશોની હાલાકી વધશેઃ ઐરોલીમાં 1 દિવસનો કાપ
મુંબઈ : નવી મુંબઈમાં દર સપ્તાહમાં બે દિવસ પાણીકાપ મૂકવામાં આવ્યો છે. મોરબે ડેમમાં પાણીનો જથ્થોે ઘટી ગયો હોવાથી એનએમએમસીએ (નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન) ચોથી જૂનથી પાણીકાપ જાહેર કર્યો હતો. મોરબે ડેમમાં રિઝર્વ જથ્થાના ફકત ૨૯ ટકા પાણી બચ્યું છે.
દિધામાં પાણીકાપ જાહેર કરાયો નથી જ્યારે ઐરોલીમાં એક દિવસનો પાણીકાપ જાહેર થયો છે. બેલાપુર વોર્ડમાં સોમવારે, ગુરૃવારે, નેરુલ વોર્ડમાં મંગળવાર શનિવારે, તુર્ભે વોર્ડમાં બુધવારે, રવિવારે, વાશી વોર્ડમાં ગુરૃવારે, સોમવારે, ઘણસોલી વોર્ડમાં બુધવારે, રવિવારે, કોપર ખૈરણે વોર્ડમાં મંગળવારે, શનિવારે પાણીકાપ જાહેર કરાયો છે.
મોરબે ડેમનું પાણી આગામી બાવન દિવસ માટે ચાલશે તેવો એનએમએએમસીનો અંદાજ છે. જળ વિભાગના એક અધિકારીએ કહ્યું કે મોરબે ડેમમાંનું પાણીનું સ્તર હજુ પર્યાપ્ત છે તેવું ગયા વર્ષના ડેટાના આધારે કહી શકાય છે. વરસાદ પડવામાં વિલંબ થઈ શકે તેવી સંભાવનાને ધ્યાનમાં લઈને અથવા વરસાદ ઓછો પડે અને ડેમ છલકાઈ નહીં તેવી સંભાવના વિચારીને તકેદારીના પગલાં રૃપે પાણીકાપ લાદવામાં આવ્યો છે.
મોરબે ડેમનું વોટર લેવલ હાલમાં ૭૦.૪૬ મીટર છે. ૮૮ મીટરની સપાટી સુધી ડેમ પૂરેપૂરો ભરાતો હોય છે.
પાંચમી જૂનથી મુંબઈ અને થાણે મહાનગરપાલિકાએ પણ ૧૦ ટકા પાણીકાપ જાહેર કર્યો છે.