500 ચો. ફૂટ કે તેથી નાનાં ઘરો પાસેથી વોટર અને સિવરેજ ટેક્સ વસુલાશે
આવકમાં ૪૫૦૦ કરોડનું ગાબડું પૂરવા કવાયત
વર્ષ ૨૦૨૨માં આ સાઈઝના ઘરોને પ્રોપર્ટી ટેક્સમાં મુક્તિ સાથે આ વેરા પણ માફ થયા હતા
મુંબઈ - મુંબઇમાં ૫૦૦ ચો. ફૂટથી ઓછા ક્ષેત્રફળ ધરાવતા ફ્લેટ કે ઘરમાં રહેતા મુંબઇગરાને વર્ષ ૨૦૨૨થી પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપી છે. પરંતુ, હવેથી આ ઘર માલિકોએ સિવરેજ અને વોટર (પાણી)નો ટેક્સ ચૂકવવો પડશે. ઉલ્લેખનીય છે કે મુંબઈના મોટાભાગના લોકો ૫૦૦ ચોરસ ફૂટથી ઓછું ક્ષેત્રફળ ધરાવતાં ઘરોમાં રહેતા હોવાથી આ નિર્ણયને લીધે મોટાભાગના મુંબઈગરાંઓને અસર થશે.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે શહેરના ૯ વહીવટી વોર્ડમાં સર્વે હાથ ધરાયો છે. લગભગ ૫૪૦૦૦થી વધુ ઘરો પાસેથી વોટર અને પાણીનો ટેક્સ વસૂલ કરવામાં આવશે. આમા પાણીના મીટર વગરના ઘરોનો પણ સમાવેશ થશે. આ માટે ટુંક સમયમાં નીતિ બનાવવામાં આવશે. આ બંને ટેક્સ આ વર્ષથી વસૂલ કરવામાં આવશે. આ માટે વર્ષ ૨૦૨૫-૨૬ના પાલિકાના બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે.
વર્ષ ૨૦૨૨માં મુંબઇમાં ૫૦૦ ચો. ફૂટ કે તેથી ઓછા ક્ષેત્રફળના ઘરોમાં રહેલા લોકો માટે પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો હતો. અગાઉ પાલિકા દ્વારા તેમને મોકલવામાં આવતા પ્રોપર્ટી ટેક્સના બિલમાં પાણી અને સિવરેજ ચાર્જનો સમાવેશ હતો.જો કે પ્રોપર્ટી ટેક્સ માફ કરવાની સાથે પાણીવેરો અને સિવરેજ ચાર્જ પણ માફ થઇ ગયા હતા. આ કારણસર પાલિકાને પ્રત્યેક વર્ષ લગભગ ૪૫૦૦ કરોડ રૃપિયાની આવક ઘટી ગઇ છે. હવે પાલિકા ૫૦૦ ચો. ફૂટ તેમજ તેનાથી ઓછા ક્ષેત્રફળ ધરાવતા ઘરો પાસે વોટર અને સિવરેજ ટેક્સ વસુલ કરવાનો નિર્ણય લીધો છે.
તળ મુંબઈની જૂની બિલ્ડિંગો પર વધારે અસર
મુંબઇમાં પૂર્વ અને પશ્ચિમ ઉપનગરમાં લગભગ બધા ઘરોમાં વોટર મીટર લગાડેલા છે. પાલિકા તેઓ પાસેથી પાણી અને સિવરેજ ટેક્સ વસૂલ કરે છે. પરંતુ મુંબઇ શહેર (તળ મુંબઇ)ના ૯ વોર્ડમાં વગર મીટરવાળા ઘરો અને ઇમારતોની સંખ્યા વધારે છે. તેમાં મોટાભાગનાં ઘરો ૫૦૦ ચો.ફૂટથી ઓછા ક્ષેત્રફળ ધરાવતો ઘરો છે.
રાજ્ય સરકારના અધ્યાદેશ અનુસાર ૫૦૦ ચો. ફૂટ કે તેનાથી ઓછા ક્ષેત્રફળ ધરાવતા ઘરોમાં મીટર લાગેલા નથી. તેઓ પાસેથી પાણી અને સિવરેજ ટેક્સ વસુલ કરવામાં આવે આથી રચેલી એક સમિતિ તળમુંબઇના ૯ વોર્ડમાં સર્વેક્ષણ શરૃ કર્યું છે. ૫૪,૨૨૬ ઘરોને કેટલું પાણી વિતરણ કરાય છે તેનું તારણ મેળવવામાં આવી રહ્યું છે. હવે પાણી અને સિવરેજ ટેક્સનો દર લાગુ કરવા માટે પાલિકાએ એક ફોર્મ્યુલા પણ તૈયાર કરી રહી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.