ચાર મહિનાથી નવી મુંબઈની લોજમાં રહી બનાવટી નોટો છાપતું કપલ ઝડપાયું
- લોજના રુમમાં જ સ્કેનર- પ્રિન્ટર સહિતનો સામાન ખડક્યો હતો
- બંને કારમાં ફરતા, ઓનલાઈન જમવાનું મંગાવતા હતા, વૈભવી જીવનશૈલી પરથી શંકા ગઈ
મુંબઇ : નવી મુંબઈના ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (એફઆઈયુ)એ નવી મુંબઈના મહાપેના એક લોજમાંથી કથિત રીતે બનાવટી નોટો છાપવા અને તેન ચલણમાં મૂકવા બદલ મહિલા સહિત બેની ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે રુ. ૮૧ હજારની નકલી નોટોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, આ કેસમાં પોલીસે ૩૫ વર્ષીય વિવેક કુમાર પ્રેમબાબુ પીપલ અને ૩૬ વર્ષીય અશ્વિની વિશ્વનાથ સરોદેની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને આરોપીઓ છેલ્લા ચાર મહિનાથી ક્રિષ્ના પેલેસ લોજમાં રોકાયા હતા.
એફઆઈયુને મળેલી બાતમીના આધારે કામગીરી કરતા આ સ્થળ પર છાપો માર્યો હતો અને અહીંથી ૧૩ મોબાઈલ ફોન, સ્કેનર, પ્રિન્ટર અને લેપટોપ જપ્ત કરવામાં આવ્યું હતું. આ બંને આરોપીએ પોતાને ભાઈ બહેન હોવાનો દાવો કર્યો હતો અને બંને છેલ્લા એક વર્ષથી બેરોજગાર હતા.
જો કે, અશ્વિનીએ અગાઉ બેંકમાં સેલ્સ વિભાગમાં કામ કરતી હોવાનું જણાવ્યું હતું. જ્યારે પીપલે સેકન્ડ હેન્ડ કાર ડીલર તરીકે કામ કર્યું હોવાનો દાવો કર્યો હતો. આ બંને છેલ્લા ચાર મહિનાથી આ લોજમાં રહેતા હતા અને નિયમિત ભાડ ુ ચૂકવતા હતા.તેઓ હંમેશા ઓનલાઈન જમવાનું મંગાવતા હતા. દરોડા દરમિયાન પોલીસને તેમના લેપટોપ પર સ્કેન કરેલી ૫૦૦ અને ૧૦૦ રુપિયાની નોટ પણ મળી આવી હતી. તો તેમની પાસેથી નોટ બનાવવામાં ઉપયોગમાં લેવાતી શાહી, બોન્ડ પેપર પણ મળી આવ્યા હતા.
વધુમાં આ બંને આરોપીઓ પાસેથી રુ. ૭૭ હજારની વાસ્તવિક નોટો અને રુ. ૮૧ હજારની બનાવટી નોટો મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. બંને બેરોજગાર હોવા છતાં લોજમાં રહેતા હતા અને કારમાં મુસાફરી કરતા હતા. તેથી નોકરી વગર આવું વૈભવશાળી જીવન જીવતા હોવાથી પોલીસને આ બંને પર શંકા વધી હતી. તેથી તપાસ કરતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. જો કે, આ બંનેએ અત્યારસુધીમાં કુલ કેટલી નોટો છાપી છે તે જાણી શકાયું નથી. વધુમાં તપાસ કરતા પીપલ પાસેથી રક્ષા મંત્રાલયનું એક નકલી ઓળખ કાર્ડ પણ મળી આવ્યું હતું. જે ડિફેન્સ ફોર્સનો ઓફિસર હોવાનો દાવો કરતું હતું. આ કાર્ડનો ઉપયોગ તે ટોલ પ્લાઝા પર ફી ન ચૂકવતા ટોલ બુથ પાર કરવા માટે કરતો હતો.
આ કેસમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે આ મામલે બંને સામે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો. તો બંનેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બંનેને પચ્ચીસ સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.