નવનીત અને રવિ રાણા સામે બિનજામીનપત્ર વોરન્ટની ચેતવણી
સુનાવણીમાં ગેરહાજર રહેતાં કોર્ટ નારાજ
હનુમાન ચાલિસા પઠન કેસમાં આરોપો ઘડવાની કાર્યવાહી અધૂરી
મુંબઈ : હનુમાન ચાલીસા કેસમાં આજે કોર્ટમાં આરોપ નક્કી કરવામાં આવનાર હતા પરંતુ આરોપી નવનીત રાણા અને પતિ રવિ રાણા હાજર નહીં રહેતાં કોર્ટે નારાજગી દર્શાવીને આગામી સુનાવણીમાં હાજર રહશે નહીં તો બિનજામીનપાત્ર વોરન્ટ જારી કરાશે એમ જણાવ્યું હતું. કોર્ટે સુનાવણી ૧૧ જાન્યુઆરી પર રાખી છે.
રાણા દંપતીને હાલમાં જ ૨૦૨૨ના હનુમાન ચાલિસા પ્રકરણને લઈ નોંધાયેલા કેસમાં આરોપમુક્તિની અરજી કોર્ટે રદબાતલ કરી હતી. ૨૦૨૨માં ધરપકડનો વિરોધ કર્યા બાદ એક સરકારી કર્મચારીને ફરજ બજાવતાં રોકવા બદલ અમરાવતીના અપક્ષ સાંસદ નવનીતિ રાણા અને વિધાનસભ્ય પતિ રવિ રાણા સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
તત્કાલિન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના બાંદરા સ્થિત ખાનગી નિવાસસ્થાનની બહાર હનુમાન ચાલિસાનું પઠન કરવાની રાણા દંપતીએ ઘોષણા કરી હતી. ત્યાર બાદ પોલીસે કાર્યવાહી કરીને તેમને અટકમાં લીધા હતા. વિશેષ કોર્ટે દંપતીની દોષમુક્તિની અરજી ફગાવી હતી. બંને સામે પુરતા પુરાવા હોવાની કોર્ટે નોંધ કરી હતી.