Get The App

નવાબ મલિક સામેનો એટ્રોસિટી કેસ સીબીઆઈને સોંપવા વાનખેડેની અરજી

Updated: Nov 22nd, 2024


Google NewsGoogle News
નવાબ મલિક સામેનો એટ્રોસિટી કેસ સીબીઆઈને સોંપવા વાનખેડેની અરજી 1 - image


મલિકે વાનખેડેની જાતિને લઈને બદનક્ષીભર્યા નિવેદન કર્યાં હતાં

રાજકારણી  તરીકે  પોલીસ પર દબાણ કરી રહ્યા છે, હજુ ધરપકડ થઈ નથી કે ચાર્જશીટ પણ કરાઈ નથી તેવી હાઈકોર્ટમાં રજૂઆત

મુંબઈ :  નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર  સમીર વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં  અરજી કરીને એસીપીના નેતા નવાબ મલિક સામેના એટ્રોસિટીના કેસની તપાસ સીબીઆઈ જેવી સ્વતંત્ર એજન્સીને સોંપવાની દાદ માગી છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસમાં એડિશનલ કમિશનર અને મહાર અનુસૂચિત જાતિના સભ્ય વાનખેડેએ અરજીમાં આરોપ કર્યો છે કે આ કેસમાં પોલીસની નિષ્ક્રિયતાથી પોતાને અને પોતાના  પરિવારને માનસિક તણાવ અને અપમાનનો સામનો કરવો પડયો છે. 

ઈન્ડિયન રેવેન્યુ સર્વિસીસ (આઈઆરએસ) અધિકારીએ ઓગસ્ટ ૨૦૨૨માં ગોરેગાવ પોલીસ સ્ટેશનમાં મલિક સામે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જમાતી (એટ્રોસિટી વિરોધી) કાયદા હેઠળ કેસ કર્યો હતો.

ફરિયાદમાં આરોપ કરાયો છે કે મલિકે મુલાકાત અને સોશ્યલ મીડિયા પર વાનખેડે અને તેમના પરિવારના સભઅયો સામે તેમની જાતિને આધારે બદનક્ષીભરી ટિપ્પણીઓ કરી છે. આ કેસમાં મલિકની ધરપકડ પણ નથી થઈ કે તેમની સામે આજ સુધી આરોપનામું પણ દાખલ થયું નથી. 

હાઈકોર્ટમાં ૨૦ નવેમ્બરેકરેલી અરજીમાં વાનખેડેએ દાવો કર્યો હતો કે પોલીસે હજી તપાસ શરૃ કરી નથી અને આ કેસ સીબીઆઈને સોંપવામાં આવે. કોર્ટના નિરીક્ષણ હેઠળ તપાસ કરવાની પણ દાદ માગી હતી. અરજી પર ૨૮ નવેમ્બરે સુનાવણી થવાની શક્યતા છે. પોલીસ યંત્રણાના લાસડિયા ખાતાને કારણે અરજદાર અને તેમના પરિવારના સભ્યોને પારાવાર વેદના અને અપમાન સહન કરવા પડયા છે, એમ અરજીમાં જણાવાયું છે.

વધુમાં જણાવાયું હતું કે ૨૦૨૧માં વાનખેડેના પિતાએ મલિક સામે બદનક્ષીનો કેસ કર્યો હતો અને કોર્ટે મલિકને વધુ કોઈ નિવેદન નહીં કરવાનો આદેશ આપ્યો હતો, તેમ છતાં મલિકે બદનક્ષીભરી ટિપ્પણી ચાલુ રાખી હોવાનો દાવો કરાયો હતો.

રાજકીય બળ વાપરીને પોલીસ યંત્રણા પર પ્રભાવ પાડે છે અને તપાસમાં બાધા ઊભી કરી રહ્યા હોવાનું અરજીમાં જણાવાયું હતું. ડ્રગ કેસમાં જમાઈ સમીર ખાનની ૨૦૨૧માં ધરપકડ થયા બાદ મલિકે નિવેદનો કર્યા હતા. અગાઉ  અધિકારીએ અનુસૂચિત જાતીના પંચ સામે ઓક્ટોબર ૨૦૨૧માં મલિક સામે પગલાં લેવાની ફરિયાદ કરી હતી.

મુંબઈમાં કોર્ડેલિયા ક્રુઝ શિપ પરથી કથિત ડ્રગ્સ જપ્તીના કેસમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડને પગલે વાનખેડે વિવાદનું કેન્દ્ર બન્યા હતા. આર્યનને હાઈકોર્ટે ત્રણ સપ્તાહ બાદ જામીન આપ્યા હતા.



Google NewsGoogle News