Get The App

મહારાષ્ટ્રમાં નવેમ્બરની 20મીએ મતદાન, 23મીએ મતગણતરી

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં નવેમ્બરની 20મીએ મતદાન, 23મીએ  મતગણતરી 1 - image


મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર , મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં મતદાન, ઝારખંડમાં  13 અને 20મી નવેમ્બરે બે  તબક્કામાં મતદાન, 

વિધાનસભાની 48 બેઠકો તથા મહારાષ્ટ્રની નાંદેડ અને કેરળની વાયનાડ લોકસભા બેઠકોની પણ પેટાચૂંટણીઃ મહારાષ્ટ્રમાં  288 બેઠકો માટે 9.63 કરોડ,  ઝારખંડમાં 81 બેઠકો માટે 2.6 કરોડ મતદારો

મુંબઈ - ભારતીય ચૂંટણી પંચે આજે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી હતી. મહારાષ્ટ્રમાં ૨૦મી નવેમ્બરે એક જ તબક્કામં મતદાન યોજાશે જ્યારે ઝારખંડમાં તા. ૧૩મી નવેમ્બર તથા ૨૦મી નવેમ્બર એમ બે તબક્કામાં મતદાન યોજાશે. બંને રાજ્યોની મતગણતરી તા. ૨૩મી નવેમ્બરે યોજાવાની છે. આ વિધાનસભા ચૂંટણીઓની સાથે અલગ અલગ રાજ્યોની ૪૮ વિધાનસભા બેઠકો ઉપરાંત મહારાષ્ટ્રના નાંદેડ સહિત બે લોકસભા બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. ચૂંટણી પંચે આ રાજ્યોની ચૂંટણીઓમાં મની પાવર તથા મસલ પાવરને નાથવા માટે વિશેષ પગલાં લેવાઈ રહ્યાં હોવાનો દાવો કર્યો છે. સાથે સાથે ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સ ઉપરાંત પરિણામના દિવસે  વહેલાં જ ઉતાવળે જારી કરી દેવાતા બિનસત્તાવાર  ટ્રેન્ડઝ સામે પણ ટકોર કરી છે. ચૂંટણી તારીખોની જાહેરાત સાથે જ ચૂંટણી આચારસંહિતા અમલી થઈ ચૂકી છે.

  દિલ્હીના વિજ્ઞાાન ભવન ખાતે યોજાયેલી કેન્દ્રીયચૂંટણી પંચની પ્રેસ  કોન્ફરન્સમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુની ઉપસ્થિતિમાં આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. ચૂંટણી પંચની જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં ૨૦મીએ મતદાન યોજાશે અને ૨૩મીએ પરિણામ જાહેર કરાશે. જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં ૧૩ અને ૨૦ નવેમ્બરે મતદાન યોજાશે અને ૨૩ નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.

મહારાષ્ટ્રમાં વિધાનસભાની ૨૮૮ બેઠકો માટે મતદાન યોજાશે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર ૨૦૧૯માં યોજાઈ હતી. જ્યારે ઝારખંડમાં  ૮૧ બેઠકો પર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ઝારખંડ વિધાનસભાનો કાર્યકાળ પાંચમી જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણી ડિસેમ્બર ૨૦૧૯માં યોજાઈ હતી. મહારાષ્ટ્રમાં ૯.૬૩ કરોડ જ્યારે ઝારખંડમાં ૨.૬ કરોડ મતદારો મતદાન કરવાના છે. 

મહારાષ્ટ્રની વિધાનસભા  ચૂંટણી હરિયાણાની સાથે યોજાશે તેવી અપેક્ષા સેવાતી હતી. પરંતુ, ચૂંટણી પંચે પાછલાં વર્ષોમાં પેહેલીવાર હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણીઓ છૂટી પાડી દીધી છે અને  મહારાષ્ટ્ર તથા ઝારખંડની ચૂંટણીને ક્લબ કરી દીધી છે. 

પેટાચૂંટણીની પણ જાહેરાત

૪૮ વિધાનસભા અને  બે લોકસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.  ૪૭ વિધાનસભા બેઠકો તથા કેરળની વાયનાડ લોકસભા માટે ૧૩ નવેમ્બરે  મતદાન યોજાશે. ઉત્તરાખંડની એક વિધાનસભા તથા મહારાષ્ટ્રની નાંદેડ લોકસભા માટે ૨૦મી  નવેમ્બરે મતદાન યોજાશે.  ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી અમેઠી અને વાયનાડ બે બેઠકો પરથી ચૂંટાયા હતા. તેમણે વાયનાડ બેઠક પરથી રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. વાયનાડ બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે અને આ રીતે સંસદીય રાજકારણમાં તેમની એન્ટ્રી થશે. ે મહારાષ્ટ્રની નાંદેડ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી છે. 

મહારાષ્ટ્રમાં દિવાળી પહેલાં ફોર્મ ભરાશે

 ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું કે, મહારાષ્ટ્રમાં ૨૦મી નવેમ્બરે  મતદાન યોજાશે, જ્યારે ૨૩મીએ ચૂંટણીના પરિણામની જાહેરાત કરાશે. આવતાં સપ્તાહે  ૨૨ ઓક્ટોબરે નોટિફિકેશન  પ્રગટ થશે, નોમિનેશનની છેલ્લી તારીખ ૨૯ઓક્ટોબર હશે એટલે ત્યાં સુધીમાં ફોર્મ ભરી શકાશે. નોમિનેશન સ્ક્ટિની ૩૦ ઓક્ટોબરે થશે જ્યારે ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ  ચોથી નવેમ્બર રહેશે. 

ઝારખંડમાં ૮૧ બેઠકો પર મતદાન 

ઁઝારખંડમાં પહેલા તબક્કા માટે તા. ૧૮મી ઓક્ટોબરે જ્યારે  બીજા તબક્કા માટે ૨૨મી ઓક્ટોબરે ફોર્મ ભરાવાનું શરુ થશે. રાજ્યના પચ્ચીસ જિલ્લાની ૮૧ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે. આ ૮૧ બેઠકોમાંથી ૪૪ બેઠકો જનરલ કેટેગરીની છે. જ્યારે ૯ બેઠકો એસસી માટે અને ૨૮ બેઠકો એસટી કેટેગરી માટે અનામત છે.



Google NewsGoogle News