પુણેમાં બેફામ પોર્શે ચલાવનારા તરુણના બિલ્ડર પિતા વિશાલ અગ્રવાલની ધરપકડ
પુણે કાર અકસ્માતમાં 2 આઈટી પ્રોફેશનલના મોતનો કેસ
પુખ્ત નહિ હોવા છતાં પણ તરુણને દારુ સર્વ કરવા બદલ હોટેલના માલિક, બે મેનેજર, કર્મચારી સહિત અન્ય 6 પણ પકડાયા
મુંબઈ : પુણેમાં લક્ઝરી કાર બેફામપણે દોડાવીને બે આઈટી પ્રોફેશનલને કચડી મારવાના હાહાકાર મચાવનારા કેસમાં પકડાયેલા ૧૭ વર્ષીય કોલેજિયનના બિલ્ડર પિતા વિશાલ અગ્રવાલની પોલીસે છત્રપતિ સંભાજી નગરથી ધરપકડ કરી છે. આ સિવાય કિશોરને દારૃ પિરસવા બદલ હોટેલના માલિક, બે મેનેજર, કર્મચારી સહિત અન્ય છ આરોપીને પકડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પુણેના કલ્યાણી નગર વિસ્તારમાં રવિવારે વહેલી સવારે ૧૭ વર્ષના વેદાંત અગ્રવાલે દારૃના નશામાં પૂરપાટ પોર્શે લક્ઝરી કાર દોડાવીને બાઈકને અડફેટમાં લેતા અનિસ અવધિયા (ઉ.વ.૨૪) અને અશ્વિની કોસ્ટા (ઉ.વ.૨૪) મોતને ભેટયા હતા.
પુણે પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે 'અમે કિશોરના પિતાની છત્રપતિ સંભાજી નગરમાં ઝડપી લીધો છે.
આરોપી બિલ્ડર વિશાલ અગ્રવાલને પકડીને પુણે લાવવામાં આવ્યો હતો. જયારે ડ્રાઈવર ચત્રભુજ ડોળસ તથા રાકેશ પૌડવાલને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પુણે પોલીસે કઝી રેસ્ટોરન્ટના માલિક પ્રહલાદ ભુતડા, મેનેજર સચિન કાટકર અને હોટેલ બ્લેકના મેનેજર સંદિપ સાંગળેની આરોપી કિશોરને દારૃ પીરસવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. બારમાં કામ કરતા જયેશ બોનકરને પણ પકડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આરોપી કિશોર તેના મિત્ર સાથે શનિવારે રાતે ૯.૩૦થી ૧.૦૦ વાગ્યા દરમિયાન બે રેસ્ટોરન્ટમાં ગયો અને દારૃ પીધો હતો. કિશોરે દારૃ પીને કાર ચલાવી હતી.
આ સગીરના પિતા અમે બારના માલિક, મેનેજર કર્મચારી સામે જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ ૭૫ અને ૭૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. કલમ ૭૫ મુજબ બાળકની ઈરાદાપૂર્વક અવગણના કરવી અને કલમ ૭૭ બાળકને દારૃ કે ડ્રગ્સ પુરૃ પાડવા સંબંધિત છે.
આ ઘઠના સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ 'આરોપી પિતાએ તેના પુત્રની પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ ન હોવા છતાં કાર આપી જેના લીધે બે જણે જીવ ગુમાવ્યો હતો. સગીર પુત્ર દારૃ પીતો હોવાથી ખબર હતી છતાં પિતાએ તેને પાર્ટીની પરવાનગી આપી હતી.
પોીલસે આરોપી વિદ્યાર્થી સામે કલમ ૩૦૪ અને મોટર વ્હીક્લ એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.અકસમાત વખતે વિફરેલા લોકોએ તેની મારપીટ કરી હતી. આરોપીને ૧૫ કલાકમાં જામીન મળી જતા લોકો ગુસ્સે થયા હતા. પોલીસે કાર્યવાહીમાં બેદરકારી દાખવી હોવાના આરોપ થયા હતા.
હોટેલ માલિક, બે મેનેજરને ૨૪ મે સુધી પોલીસ કસ્ટડી
પુણેમાં ૧૭ વર્ષના સગીર દ્વારા દારૃના નશામાં ચલાવાઈ રહેલી પોર્શ કારની અડફેટમાં બે જણના મોતની ઘટનામાં પોલીસે પકડેલા રેસ્ટોરાં માલિક અને બે મેનેજરને કોર્ટે ૨૪ મે સુધીની પોલીસ કસ્ટડી આપી છે.
આરોપીઓમાં કોઝી રેસ્ટોરાંના માલિક નમન પ્રહલાદ ભુતડા, તેના મેનેજર સચિન કાટકર અને બ્લેક ક્લબ હોટેલના મેનેજર સંદીપ સાંગલેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
સાત દિવસની કસ્ટડી માગીને સરકારી પક્ષે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓની માલિકીની અને મેનેજ થતી હોટેલે સામે સગીર અને તેના મત્રોને તેમની વય ચકાસ્યા વિના દારૃ પીરસવાનો આરોપ છે.
બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ એડિશનલ સેશન્સ કોર્ટ જજ એસ. પી. પોંક્ષેએ ત્રણે આરોપીને ૨૪ મે સુધીની પોલીસ કસ્ટડી આપી હતી.