વાહનોના VIP નંબર માટે હવે ચૂકવવી પડશે મોટી કિંમત, આ રાજ્યએ લીધો મોટો નિર્ણય
VIP Number Price: શું તમે પણ કાર માટે VIP નંબર લેવાનું પસંદ કરો છો? તો સમાચાર તમારા માટે છે. મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે વાહનોના VIP નંબરને લઈને હવે મોટો નિર્ણય લીધો છે. જેમાં મહારાષ્ટ્રના લોકોએ હવે VIP નંબર મેળવવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે.
0001 ની કિંમત કેટલી છે?
મહારાષ્ટ્ર સરકારના નિર્ણય અનુસાર હવે રાજધાની મુંબઈ, થાણે, રાયગઢ, ઔરંગાબાદ, નાસિક, કોલ્હાપુર અને પૂણે જેવા મોટા શહેરોમાં VIP નંબરની માંગમાં વધારો થયો છે. એમાં પણ ખાસ કરીને '0001' નંબરની માંગ ખૂબ વધી છે. જેથી '0001' VIP નંબર માટે વાહન માલિકોએ હવે 6 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આથી રાજ્યના વાહનવ્યવહાર વિભાગે 30 ઓગસ્ટે આ અંગેની સૂચના બહાર પાડી છે.
ટુ-વ્હીલર અને ફોર-વ્હીલરની ફી કેટલી હશે?
ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે 30 ઓગસ્ટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, અત્યાર સુધી ‘0001’ નંબર માટે ફોર વ્હીલર માટે કિંમત રૂ. 4 લાખ હતી, જે વધારીને રૂ. 6 લાખ કરવામાં આવી હતી. તેમજ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરની કિંમત રૂ. 50 હજારથી વધારીને રૂ. 1 લાખ કરવામાં આવી છે.
આ પણ વાંચો: કોઈ દોષિત હોય તો પણ ઘર ન તોડી શકાય: બુલડોઝર એક્શન સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ
VIP નંબર ટ્રાન્સફર કરી શકાય છે
આ જ નોટિફિકેશનમાં ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે કહ્યું છે કે ફોર-વ્હીલર અને મલ્ટી-એક્શન વાહનો માટે હવે બેઝિક ફી કરતા ત્રણ ગણી ફી એટલે કે રૂ. 15 લાખ નક્કી કરવામાં આવી છે. જ્યારે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે તે 3 લાખ રૂપિયા હશે. આ જ ક્રમમાં, આઉટ ઓફ સીરીઝ વીઆઈપી નંબરની કિંમત પણ રૂ.12 લાખથી વધારીને રૂ. 18 લાખ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે હવે VIP નંબર ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી દીધી છે. આ સિસ્ટમ હેઠળ હવે કોઈપણ વ્યક્તિ તેના પતિ, પત્ની, પુત્ર અને પુત્રી સહિત તેના પરિવારના કોઈપણ સભ્યને વીઆઈપી નંબર ટ્રાન્સફર કરી શકશે. અત્યાર સુધી આ રીતે નંબર ટ્રાન્સફર પર પ્રતિબંધ હતો.