કોલ્હાપુરના વિશાળગઢ કિલ્લા પર અતિક્રમણ હટાવવાની માગણીને હિંસક વલણ
ગજાપુરમાં ઘરમાં ઘૂસી તોફાનીઓએ ઘરોને આગ ચાંપી
સાત અધિકારીઓ સહિત 12 પોલીસ કર્મી ઘવાયા
મુંબઇ : કોલ્હાપુરના વિશાળ ગઢ કિલ્લા પરના અતિક્રમણ હટાવવા માટે હિન્દુત્વવાદી સંગઠનો સહિત માજી સાંસદ સંભાજીરાજે છત્રપતિના નેતૃત્વ હેઠળ થયેલ કાર્યવાહીએ હિંસક વલણ લીધું હતું. પોલીસે પ્રત્યક્ષરીતે ગઢ પર જવાની પરવાનગી કોઈને આપી નહોતી, પણ આ સમય દરમિયાન રોષે ભરાયેલા ટોળાએ કિલ્લાને અડીને આવેલા ગજાપુર ગામના અમુક ઘરોને આગ ચાંપી તોડફોડ કરી હતી. આ સાથે જ બે સમુદાયો વચ્ચે સામ-સામે જોરદાર પથ્થરમારો થયો હતો. ગજાપુરમાં આંદોલકોએ ગામમાં ઘૂસી વાહનોની તોડફોડ કરી હતી તેમ જ સાત મોટા વાહનો ત્રણ મોટરસાઇકલને ભારે નુકસાન પહોંચાડયું હતું. આ ઘટના આંદોલકોએ અમુક દુકાનોની પણ તોડફોડ કરી આગ ચાપી હતી. આ ઘટનામાં સાત અધિકારીઓ સહિત ૧૨ પોલીસકર્મીઓ પણ ઘવાયા હતા.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા વિશાળગઢ પર છેલ્લા થોડા વર્ષોમાં મોટા પ્રમાણમાં અતિક્રમણ થયું હતું. આ ગેરકાયદે બાંધકામને લીધે શિવપ્રેમીઓ અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળતો હતો. દરમિયાન માજી સાંસદ છત્રપતિ સંભાજીરાજેએ રવિવાર ૧૪ જુલાઈના રોજ અતિક્રમણના વિરોધમાં આંદોલન કરશે તેવું જાહેર કર્યું હતું. તે મુજબ કોલ્હાપુર જિલ્લા સહિત પુણે, સાંગલી, સાતારાથી હજારોની સંખ્યામાં શિવપ્રેમીઓ રવિવારે પાંચ વાગ્યાથી ગઢની તળેટીમાં હજારોની સંખ્યામાં આંદોલકો પહોંચી ગયા હતા. તળેટીમાં પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને આંદોલકોને ગઢ પર જવા દેવામાં આવ્યા નહોતા. થોડા સમય બાદ આંદોલકો અચાનક આક્રમક બની ગયા હતા અને વિશાળગઢથી બે કિલોમીટર દૂર ગજાપુરના મુસલમાનવાડી વિસ્તારમાં તોફાન મચાવ્યું હતું અને અહીં રહેતા ઘરો પર હુમલો કરી, આગ ચાંપી ઘરોની બહાર ઊભા રખાયેલા વાહનોને લક્ષ્ય બનાવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ જિલ્હાધિકારી અમોલ યેડગે, એસ. પી. મહેન્દ્ર પંડિત, શાહૂવાડી-પન્હાળાના પ્રાંતઅધિકારી સમીર શિંગેર તહેસીલદાર રામલિંગ ચવ્હાણ જેવા ઉચ્ચાધિકારીઓ મોટી પોલીસ ફોર્સ સાથે ઘટના સ્થળે ધસી આવ્યા હતા. આ લોકોએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આંદોલકો અને તોફાનીઓને શાંત કર્યા હતા.
છત્રપતિ સંભાજી રાજે સહિત ૫૦૦થી વધુ વ્યક્તિઓ સામે પોલીસે ગુનો નોંધ્યો
આ ઘટના બાદ પોલીસે ભૂતપૂર્વ સાંસદ છત્રપતી સંભાજી રાજે સહિત ૫૦૦થી વધુ વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ પ્રકરણે સરકારી કામમાં અડચણ ઊભી કરવી. આદેશોનું ઉલ્લંધન કરી ભેગા થવું, સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવું સહિત વિવિધ દસથી વધુ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણે પોલીસે અત્યાર સુધીમાં ૨૧ વ્યક્તિને તાબામાં લીધા છે, જેમાં કોલ્હાપુર અને ઇચલકરંજીના રહેવાસીઓનો સમાવેશ થાય છે. આ પ્રકરણે હજી વધુ લોકોને તાબામાં લેવામાં આવશે, તેવું પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું.
આ ઘટના બાદ વિશાળગઢ પરના અતિક્રમણ હટાવવાની તૈયારી પ્રશાસને કરી છે. જિલ્લા પ્રશાસનની છ ટુકડીઓ આ માટે વિશાળગઢ પર પહોંચી ગઈ છે અને અતિક્રમણ હટાવવાના પ્રયાસો આદર્યા છે. આ બાબતે છત્રપતિ સંભાજી રાજેએ મધ્યમોને જણાવ્યું હતું કે અહીંના અતિક્રમણો હટાવવા હું છેલ્લા દોઢ વર્ષથી વિનંતી કરું છું, પણ પ્રશાસન ધ્યાન આપતું નહોતું. જો સમયસર કાર્યવાહી કરી અતિક્રમણો હટાવી દીધા હોત તો આ પરિસ્થિતિ ઊભી ન થાત.