મરાઠા અનામત માટે આજથી ગામેગામ ભૂખ હડતાળ

Updated: Oct 29th, 2023


Google NewsGoogle News
મરાઠા અનામત માટે આજથી ગામેગામ ભૂખ હડતાળ 1 - image


મરાઠા આંદોલન વધારે વિસ્તર્યું

મરાઠા નેતા મનોજ જરાંગેનું એલાનઃ કોઈને પણ હાનિ પહોંચે તો સરકાર જવાબદાર

મુંબઇ :  મરાઠા અનામતનો અમલ કરવામાં સરકારની નિષ્ફળતાના વિરોધમાં તા. ૨૯ ઓક્ટોબરથી મહારાષ્ટ્રના ગામેગામ ભૂખ હડતાળ શરુ કરી દેવાનું એલાન મરાઠા અનામતના નેતા મનોજ જરાંગેએ કર્યું છ. 

તેમણે જણાવ્યું હતું કે આ ઉપવાસ દરમિયાન કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારે હાનિ પહચશે તો તેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકારની હશે. 

જરાંગે ખુદ જાલના જિલ્લાના અંતરવાલી સારાતી ગામે બેમુદ્દતી ઉપવાસ પર  બેઠા છે.  ઉપવાસના ચોથા દિવસે જિલ્લા કલેક્ટર તથા પોલીસ વડાએ તેમની રુબરુ મુલાકાત લીધી હતી અને તબીબી તપાસ કરાવી લેવા આગ્રહ કર્યો હતો. જોકે, જરાંગેએ તે માટે ઈનકાર કરી દીધો હતો. 

તેમણે જણાવ્યું હતું કે તા. ૨૯મીથી ગામેગામ અવિરત ઉપવાસનો દોર ચાલુ થશે.  આ ઉપરાંત તા. ૩૧મીથી આંદોલનનો નવો તબક્કો શરુ થશે. જોકે, તેની વિગતો તેમણે આપી ન હતી. 

મરાઠા આંદોલનકારીઓ શિક્ષણ તથા સરકારી નોકરીઓમાં અનામતની માગણી કરી રહ્યા છે.  આ અગાઉ જરાંગેએ ૨૯મી ઓગસ્ટથી ૧૪ સપ્ટેમ્બર સુધી ઉપવાસ કર્યા હતા. જોકે, ત્યારે રાજ્ય સરકારે મરાઠા અનામતના અમલની ખાતરી આપતાં તેમણે આંદોલન સમેટયું હતું. તેમણે સરકારે માગ્યા મુજબ ૪૦ દિવસની મહેતલ આપી હતી. જોકે, તે સમયગાળામાં પણ અમલ નહીં થતાં તેમણે ગઈ તા. પચ્ચીસમી ઓક્ટોબરથી ફરી ઉપવાસ શરુ કર્યા છે. 

બીજી તરફ સરકારે મરાઠા અનામતની શક્યતાઓ ચકાસવા માટે રચેલી કમિટીની મૂળ એક મહિનાની મુદ્દત વધુ બે મહિના માટે લંબાવી દેતાં મરાઠા અનામત આંદોલનના નેતાઓમાં રોષ ફેલાયો છે. 

રાજ્યના મુખ્યપ્રધાન એકનાથ શિંદે મરાઠા અનામત માટે સરકાર તૈયાર છે તેવું એકથી વધુ વખત કહી ચૂક્યા છે. જોકે, જરાંગેનો આક્ષેપ છે કે શિંદે પર મરાઠા અનામતનો અમલ નહીં કરવા માટે કોઈનું દબાણ છે.



Google NewsGoogle News