Get The App

વિક્રોલીમાં મ્હાડાની ઇમારતનો સ્લેબ ધસી પડતા 2 વૃદ્ધોનાં મોત

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
વિક્રોલીમાં મ્હાડાની ઇમારતનો સ્લેબ ધસી પડતા 2 વૃદ્ધોનાં મોત 1 - image


જર્જરીત  બિલ્ડિંગોમાં રહેતા 12 પરિવારોનું સ્થળાંતર

3જા માળનો સ્લેબ છેક ગ્રાઉન્ડ  ફલોર  સુધી પડયો :  2 વૃદ્ધો કાટમાળ હેઠળ દબાઈ જતાં ગંભીર ઈજાના કારણે મોત 

મુંબઇ :  વિક્રોલી (ઇ)માં કન્નમવાર નગરમાં મ્હાડાની ત્રણ માળની એક ઇમારતનો સ્લેબ ધસી પડતા થયેલી દુર્ઘટનામાં બે વૃદ્ધ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. આ ઘટના ગુરૃવારે મોડી સાંજે બની હતી. આ ઘટના બાદ તાત્કાલિક સ્થાનિકો અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ-રાહત કાર્ય હાથ ધર્યું હતું.

 વિક્રોલી (ઇ)માં કન્નમવારનગરમાં આવેલ વર્ષો જૂની ઇમારત નંબર ૪૦નો ત્રીજા માળનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડયો હતો. આ ઇમારત જૂની હોઇ ત્રીજા માળનો સ્લેબ ધસીને બીજા માળે પડયો અને બીજા માળનો સ્લેબપહેલા માળ પર પડયો અને અંતે સ્લેબનો બધો કાટમાળ ગ્રાઉન્ડફલોર પર ઠલવાયો હતો. આ વિચિત્ર દુર્ઘટનામાં અહીં રહેતા શરદ મ્હસળેકર (૭૫) અને સુરેશ મ્હાઘટકર (૭૭) નામના બે વૃદ્ધો કાટમાળ હેઠળ દબાઇ ગયા હતા. આ બન્ને વૃદ્ધોને ત્યારબાદ કાટમાળ હેઠળથી બહાર કાઢયા બાદ પાસેની ડૉ. બાબા સાહેબ આંબેડકર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડૉકટરોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા.

આ ઇમારતમાં કુલ ૧૨ પરિવારો રહેતા હતા. આ  તમામ પરિવારોને કામચલાઉ ધોરણે કન્નમવાર નગરમાં જ આવેલ સંક્રમણ શિબિરમાં ખસેડવામાં આવ્યા હતા. કન્નમવાર નગરમાં આવેલી મ્હાડાની ઇમારતો લગભગ ૫૦ વર્ષ જૂની હોઇ ઘણી ઇમારતો જર્જરિત અને જોખમી અવસ્થામાં છે. અહીં મોટા પાયે  જૂની મ્હાડાની ઇમારતોનું રિડેવલપમેન્ટનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ ઇમારતની રિડેવલપમેન્ટની ફાઇલ   છેલ્લા છ  મહિનાથી મ્હાડા પાસે પ્રલંબિત પડી હોવા છતાં આ બાબતે કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી આ દુર્ઘટના બની હતી. તે માટે  જવાબદાર અધિકારીઓ પર મનુષ્ય વધનો ગુનો દાખલ કરવાની માગણી સ્થાનિક ધારાસભ્યએ કરી હતી.



Google NewsGoogle News