અનુસૂચિત જાતિ , જનજાતિ કાયદા હેઠળના કેસનું વિડિયો રેકોર્ડિંગ જરૃરીઃ હાઈકોર્ટ
ડો. પાયલ તડવી આત્મહત્યા કેસમાં ઉપસ્થિત મુદ્દા પર સ્પષ્ટતા
જનતા પ્રત્યેની જવાબદારીની તકેદારી પણ લેવાશેઃ સરકાર તમામ અદાલતોમાં વીડિયો રેકોર્ડિંગની સુવિધા આપે
મુંબઈ : અનુસૂચિત જાતિ અને જનજાતિ કાયદા સંબંધી કેસોની અદાલતી સુનાવણી સહિતની તમામ કાર્યવાહીનું વિડિયો રેકોર્ડિંગ થવું જોઈએ એવો ચુકાદો બોમ્બે હાઈ કોર્ટે આપ્યો છે.ઓગસ્ટ ૨૦૧૯માં ન્યા. સાધના જાધવે કાર્યવાહી શબ્દને કઈ રીતે લેવો એ નક્કી કરવા પ્રકરણ ડિવિઝન બેન્ચને સોંપી હતી. ત્રણ ડોક્ટરો હેમા અહુજા, ભક્તિ મેહરે અને અંકિતા ખંડેલવાલ સામે તેમની જુનિયર ડો. પાયલ તડવીને ૨૦૧૯માં આત્મહત્યા માટે પ્રેરીત કરવાના આરોપમાં કરેલી જામીન અરજીની સુનાવણીમાં આ મુદ્દો ઉપસ્થિત થયો હતો.
ાુનાવણી ખુલી અદાલતમાં થઈ હોય તો પણ આવા કેસની કાર્યવાહીનું વિડિયો રેકોર્ડ કરવી જરૃરી હોવાનું ડિવિઝન બેન્ચે બુધવારે જણાવીને ઉમેર્યું હતું કે જનતા પ્રત્યેની જવાબદારીની પણ તકેદારી લેવાઈ જશે. પીડિત અને સાક્ષીદારોને પુરતી સુનાવણી આપવામાં આવશે એની તકેદારી લેવાશે.
ઘણા કેસમાં પીડિતોને કાનૂની પ્રક્રિયા અને તેની અસર વિશે જાણકારી હોતી નથી. કોર્ટે જોકે નોંધ કરી હતી કે રાજ્યની બધી કોર્ટમાં વિડિયો રેકોર્ડિંગ સુવિધા નથી જે પૂરી પાડવાની સરકારની ફરજ છે. આરોપીની અંગત આઝાદી જોખમાતી હોય એવા કેસમાં જ્યાં સુધી વિડિયો રેકોર્ડિંગ સુવિધા મળે નહીં ત્યાં સુધી તેના વિના સુનાવણી ચાલુ રાખી શકાય છે, એમ કોર્ટે નોંધ કરી હતી.