સિદ્ધિવિનાયકના પ્રસાદ પર ઉંદરનો વીડિયો વાયરલઃ ટ્રસ્ટે ફેક ગણાવ્યો
મંદિરને બદનામ કરવા ફેક વીડિયો બનાવ્યાના દાવો
વીડિયોમાં દર્શાવેલું સ્થળ મંદિરનું છે જ નહિ છતાં પણ સીસીટીવી ચેક કરી ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ થશે
મુંબઈ : તિરુપતિ મંદિરમાં લાડુના પ્રસાદમાં ભેળસેળિયાં ઘીના વિવાદ વચ્ચે મુંબઈના સુપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરમાં પ્રસાદના લાડુના પેકેટ્સ પર ઉંદરના બચ્ચાં ફરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થતાં ભક્તોમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, મંદિરના સંચાલકોએ આ વીડિયો ફેક હોવાનું જણાવ્યું છે અને વીડિયો વાયરલ કરનારાઓ સામે કાનૂની કાર્યવાહીની ચિમકી ઉચ્ચારી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અનુસાર મંદિરના લાડુના પ્રસાદના પેકેટ જે બાસ્કેટમાં રખાયાં છે તેમાં ઉંદરનાં બચ્ચાં પણ ફરતાં દેખાય છે. મંદિરમાં પ્રસાદ તૈયાર થાય છે તે સ્થળે સ્વચ્છતા નહિ જળવાતી હોવાનો આક્ષેપ થયો હતો.
જોકે, મંદિર ટ્રસ્ટ ના દાવા અનુસાર આ વીડિયો મંદિરનો પ્રસાદ જ્યાં તૈયાર થાય છે તે સ્થળનો છે જ નહિ. કોઈએ મંદિરને બદનામ કરવા માટે ખોટો વીડિયો વાયરલ કર્યો છે. મંદિરનો પ્રસાદ બહુ જ ચોખ્ખી જગ્યાએ તૈયાર થાય છે જ્યારે આ વીડિયોમાં દર્શાવાયેલાં સ્થળે બહુ ગંદકી જોવા મળે છે.
મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને એકનાથ શિંદેની શિવસેનાના નેતા સદા સરવણકરે કહ્યું હતું કે તેમ છતાં અમે સીસીટીવી ફૂટેજ તપાસશું. ડીસીપી રેન્કના અધિકારીની નિમણૂંક કરી તેમના નેજા હેઠળ તપાસ કરાશે. કોઈ દોષિત જણાશે તો પગલાં ભરવામાં આવશે.
સરવણકરે કહ્યું હતું કે મંદિરમાં સ્વચ્છ જગ્યાએ પ્રસાદ તૈયાર થાયછે.ઘી, કાજુ અને અન્ય સામગ્રી સૌપ્રથમ મુંબઈ મહાનગરપાલિકાની લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવે છે . તેની મંજૂરી મળે તે પછી જ તેનો ઉપયોગ લાડુ બનાવવામાં કરવામાં આવે છે. પ્રસાદ બનાવવા માટે વપરાતાં પાણીની પણ ચકાસણી થાય છે.