વીરચંદ ગાંધીના પરિવારજનોનું મકાન તોડી પાડવાને બદલે રિપેર કરવાનો આદેશ
ચકલા સ્ટ્રીટમાં ગત સપ્તાહે બળી ગયા બાદ આ મકાન તોડવા આવેલી મ્હાડાની ટીમને અટકાવાઈ
મુંબઈ : સ્વાતંત્ર્ય સેનાની અને ૧૮૯૩માં અમેરિકાની વિશ્વ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ સાથે અમેરિકા ગયેલા વીરચંદ રાઘવજી ગાંધીના પરિવાર જનોનું મુંબઈમાં ચકલા સ્ટ્રીટ સ્થિત મકાન તોડવાને બદલે તેને રિપેર કરીને ફરી આ પરિવારના વસવાટ માટે સોંપવના ચક્રો ગતિમાન થયા છે. જેને શ્રેષ્ઠી વીરચંદ ગાંધીના પૌત્ર અને પૌત્રીએ મુંબઈના ઉપનગરીય પાલક મંત્રી મંગલ પ્રભાત લોઢાને કરેલી રજૂઆત બાદ આ જગ્યા તોડવા માટે આવેલા મ્હાડાના કોન્ટ્રાકટરોને આ જગ્યાનું ઐતિહાસિક તથા સામાજીક મહત્ત્વ સમજાવીને મંત્રીએ તોડકામ અટકાવીને મ્હાડાના અધિકારીઓની મિટિંગ બોલાવી છે.
ગત ૧૭મી જૂને આગ લાગ્યા બાદ ચકલા સ્ટ્રીટનું તેમનું મકાન સળગી જવાથી વીરચંદ ગાંધીના પૌત્ર પ્રકાશ ગાંધી અને પૌત્રી સરલાબેન ગાંધી નિરાધાર થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વીરચંદ રાઘવજી ગાંધી બેરિસ્ટર હતા અને એક સમયે મહાત્મા ગાંધીના ગુરુ હતા. ભૂતકાળમાં જ્યારે દેશમાં દુષ્કાળનો સમય હતોસ ત્યારે વીરચંદ ગાંધીએ અસરગ્રસ્તો માટે જહાજ ભરીને અનાજની પણ વ્યવસ્થા કરી હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. જો કે આજે સંજોગો બદલાયા છે અને તેમના પૌત્ર પાસે આ સ્થાનને ફરી ઊભું કરવાની ક્ષમતા નથી.