હવે વાસુ ભગનાનીએ નેટફ્લિક્સ સામે 47 કરોડની ઠગાઈની ફરિયાદ કરી
જોકે, નેટફલિક્સે કહ્યું પૈસા તો અમારા બાકી છે
બાકી પેમેન્ટના આરોપોમાં ફસાયેલા વાસુ અગાઉ બડે મિયાંના દિગ્દર્શક સામે ફરિયાદ કરી ચૂક્યા છે
મુંબઈ : અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ૩૦૦ કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ટિકિટબારી પર સાવ ફલોપ થઈ તેના કારણે નાણાંકીય સંકટમાં ફસાયેલા નિર્માતા વાસુ ભગનાની હવે એક પછી એક કાનૂની તકરારમાં પણ સંકળાઈ રહ્યા છે. અગાઉ તેમણે આ ફિલ્મના દિગ્દર્શક અબ્બાસ અલી ઝફર સામે શૂટિંગની સબસિડીના પૈસાની ઉચાપતની ફરિયાદ કરી હતી. હવે તેમણે ઈન્ટરનેશનલ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ સામે પણ ૪૭ કરોડની ઠગાઈની ફરિયાદ કરી છે.
વાસુએ નેટફ્લિક્સ તથા તેના માટે ભારતમાં કન્ટેન્ટ મેનેજ કરતી કંપની લોસ ગૈટોસ પ્રોડક્શન અને ઝૂ ડિજિટલ તથા તેના ૧૦ એક્ઝિક્યુટિવ્ઝ સામે ફરિયાદ કરી છે. તેમાં જણાવાયું છે કે નેટફ્લિક્સ પર દર્શાવાયેલી તેમની ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં', 'મિશન રાણીગંજ' તથા 'હીરો નંબર વન'નું પેમેન્ટ હજુ સુધી તેમને મળ્યું નથી.
જોકે, નેટફ્લિક્સ દ્વારા આ આરોપો ફગાવી દેતાં વળતો આક્ષેપ કરાયો છે કે વાસ્તવમાં તેમણે વાસુ પાસેથી પૈસા લેવાના બાકી નીકળે છે.
ઉલ્લેખનીય છે કે વાસુ ભગનાનીએ તેમની પાછલી કેટલીક ફિલ્મોના કલાકારો તથા ક્રૂ મેમ્બર્સને બાકી પૈસા નહિ ચૂકવ્યા હોવાના આક્ષેપો લાંબા સમયથી થઈ રહ્યા છે. તેમની કંપનીમાંથી સ્ટાફની પણ મોટાપાયે છટણી કરવામાં આવી હોવાનું કહેવાય છે. તેમણે મુંબઈની પોતાની આલીશાન ઓફિસ પણ વેચી દીધી છે.