પતિના અનૈતિક સંબંધોથી ત્રાસી વસઈની મહિલા ડોક્ટરનો આપઘાત
પતિ શારીરિક -માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ
આત્મહત્યા કરતાં પહેલાં ચર્ચમાં પ્રાર્થના માટે ગઈ, ફાધરને સ્યુસાઈડ નોટનું કવર આપ્યું
મુંબઈ : વસઈની કાડનલ ગ્રેસિયસ હોસ્પિટલના મહિલા ડોક્ટર ડેલિસા પરેરાએ ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે . ડોકટરે લખેલી સુસાઈડ નોટમાં તેનો પતિ અનૈતિક સંબંધ ધરાવે છે અને તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બનાવ બાદ બુધવારે રાતેવસઈ પોલીસે ડેલિસા પરેરાના પતિ રોયલ પરેરાની આત્મહત્યા માટે પ્રવૃત કરવા બદલ ધરપકડ કરી હતી.
વસઈમાં રહેતાં ૩૯ વર્ષના ડા. ડેલિસા પરેરા તેના પતિ રોયલ પરેરા અને ૧૨ વર્ષની દીકરી સાથે પાપડીના સોનારભાટ ખાતે રહેતી હતી. મહિલા વસઈની બંગલીમાં પ્રખ્યાત એવી કાડનલ ગ્રેસિયસ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે કામ કરતી હતી.
સોમવારે સાંજે તેણે પાપડી સ્થિત પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આત્મહત્યા કરતા પહેલા તે પાપડીના એક ચર્ચમાં મિસા (પ્રાર્થના) કરવા પણ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ત્યાર બાદ તેઓ પાપડી ચર્ચના ફાધર્સને પણ મળ્યા અને એક એન્વોલપઆપ્યુંહતુંઅને તેમાં એક ચિઠ્ઠી હતી. તેની આત્મહત્યા પાછળનું કારણ તે નોટ પરથી ખુલાસો થયો હતો. ફાધરે આ નોટ મૃતક ડોક્ટર ડેલિસા પરેરાની માતાને આપી હતી. આ અંગે તેણે વસઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
સ્યુસાઈડ નોટની વિગતો
પતિ રોયલ પરેરાના એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતા. જેનાથી તે ડોક્ટર ડેલિસાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. નોટમા ંડેલિસાએ લખ્યું હતું કે, ૨૬ નવેમ્બર ૨૦૨૪ અને ૬ જાન્યુઆરી ૨૦૨૫ ની વચ્ચે, રોયલે તેનું શારીરિક અને માનસિક શોષણ કર્યું હતું. આ કેસમાં, વસઈ પોલીસે આરોપી રોયલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૧૦૮, ૧૧૫ (૨) ૩૫૧ (૩) હેઠળ આત્મહત્યા માટે પ્રવૃત કરવા માટે કેસ નોંધ્યો છે.
આ વિશે માહિતી આપતાં વસઈ પોલીસ મથકના વરિ પોલીસ અધિકારી બાલકૃષ્ણ ઘાડિગાવકરે આપી હતી કે, સ્યુસાઈડ નોટના આધારે અમે આરોપી રોયલ પરેરાની ધરપકડ કરી છે.
મિસિસ ઈન્ડિયા ફાઈનાલિસ્ટ હતી
ડો. ડેલિસાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ અનુસાર તે મિસિસ ઈન્ડિયા સ્પર્ધાની નેશનલ લેવલની ફાઈનાલિસ્ટ પણ રહી ચૂકી છે. ૨૦૨૩માં તેણે આ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો.