1336 મકાનો ખાલી કરો અને 35 કરોડ આપોઃ એચડીઆઈએલને નોટિસ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
1336 મકાનો ખાલી કરો અને 35 કરોડ આપોઃ એચડીઆઈએલને નોટિસ 1 - image


નાદારીમાં ગયેલી કંપનીને એમએમઆરડીએની તાકીદ

એરપોર્ટના ઝૂપડાંવાસીઓના પુનવર્સન માટે  કુર્લામાં બનાવાયેલાં મકાનોમાં ગેરકાયદેસર કબ્જેદારો ઘૂસી ગયા, એજન્ટોએ  જગ્યા આપી  ધૂમ કમાણી કરી

મુંબઇ :  કુર્લામાં પ્રિમિયર કમ્પાઉન્ડમાંની બે ઇમારતના ૧૩૩૬ ટેનામેન્ટ ખાલી કરાવવા મુંબઇ મેટ્રોપોલીટન રિજિયન ડેવેલોપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)એ પગલાં ભરવાનું શરૃ કર્યું છે. મુંબઇ એરપોર્ટની જમીન પર રહેતા ઝૂંપડાવાસીઓને ટ્રાન્ઝિટ એકોમોડેશન (હંગામી ધોરણે રહેઠાણ) પૂરુ પાડવાનો ઇરાદો હતો. હાલમાં આ બંને બિલ્ડીંગમાં ગેરકાયદેસર કબ્જેદારો રહે છે.

હાઉસિંગ ડેવેલોપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એચડીઆઇએલ) કંપનીને ૧૩૩૬ ટેનામેન્ટ અને ૫૦ કમર્શિયલ યુનિટનો કબ્જો આપવા એમએમઆરડીએ નોટિસ મોકલી છે. હાલમાં એચડીઆઇએલ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઇ રહ્યું છે. એક મહિનામાં પડતર જીએસટીની રકમ અને બાકી ભાડા પેટે રૃા. ૩૫ કરોડની રકમની પણ એમએમઆરડીએએ નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઇ રહેલી કંપનીના વહીવટદાર પાસેથી માગણી કરી છે.

બિલ્ડીંગ નંબર પાંચ અને છ નવ વર્ષ અગાઉ એચડીઆઇએલને ફાળવવામાં આવ્યા હતા. પાત્ર નહી હોય તેવા લોકોને એચડીઆઇએલએ ટેનામેન્ટનો કબ્જો ગેરકાયદેસર રીતે સોંપ્યો હતો તેવો દાવો રહેવાસીઓ કરે છે.

સાતમી ઓક્ટોબરથી દસમી ઓક્ટોબર દરમિયાન આ બંને બિલ્ડીંગ ખાલી કરાવવા પોલીસ રક્ષણ માટે વિનંતી કરવામાં આવી છે. એરપોર્ટ પાસેની ઝૂંપડપટ્ટી અને ભારતનગરના રહેવાસીઓ માટેની સ્લમ રિહેબિલિટેશન સ્કીમ હેઠળ વર્ષ ૨૦૦૯માં એચડીઆઇએલએ પ્રિમિયર કમ્પાઉન્ડમાં ૩૦ બિલ્ડીંગનું બાંધકામ કર્યું હતું. આ બિલ્ડીંગોનું મેનેજમેન્ટ સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ) પાસે હતું. ૨૦૨૧માં છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસેના ઝૂંપડપટ્ટીઓના પુનવર્સન માટે એમએમઆરડીએની નિમણૂંક સક્ષમ સત્તા તરીકે કરવામાં આવી હતી તે પછી એમએમઆરડીએ બિલ્ડીંગોનું મેનેજમેન્ટ પોતાનાહસ્તક લીધું હતું. ફ્લેટોમાં સંખ્યાબંધ ટ્રેસપાર્સસ (ઘૂસણ ખોરો) અને ગેરકાયદેસર કબ્જેદારો રહેતા હતા.

પ્રોજેક્ટ એફેક્ટેડ પર્સન્સ (અસરગ્રસ્ત વ્યક્તિઓ) (પીએપી)ને હંગામી લીઝના ધોરણે બિલ્ડીંગ નંબર પાંચ અને છ માંના ફ્લેટ આપવામાં આવ્યા હતા. આ મામલાના જાણકાર એક એડવોકેટે કહ્યું કે લીઝ એગ્રીમેન્ટ ફક્ત ત્રણ વર્ષ માટે હતું અને તેમણે પ્રક્યેક યુનિટ દીઠ રૃા. ૮૦૦૦ ચૂકવવાના હતા. એચડીઆઇએલ દ્વારા પેમેન્ટ અપાયું ન હતું. એગ્રીમેન્ટ રિન્યુ કરવામાં આવ્યું ન હતું.

એક સ્થાનિક એક્ટિવિસ્ટે કહ્યું હતું કે જેમને મૂળ ફ્લેટસ ફાળવવામાં આવ્યા હતા તેઓ મળ્યા ન હતા. તેમના સ્થાને તેમના નામમાં અન્ય લોકો રહેતા હતા. આ ગેરકાયદેસર કબ્જેદારો સામે ગુનો નોંધવા અમે પોલીસને અને એમએમઆરડીએને પત્ર લખ્યો હતો. પીએપી માટેના ફ્લેટસમાં તેઓ કેવી રીતે આવ્યા તેની તપાસ કરવા અમે પોલીસને વિનંતી કરી હતી.

આ બેમાંથી એક બિલ્ડીંગના રહેવાસીએ કહ્યું કે મેં ભાડાના આધારે ફ્લેટ લીધો હતો. એજન્ટોને રૃા. પાંચ લાખથી વધુની રકમ ચૂકવી હતી.હવે એમએમઆરડીએ ખાલી કરાવે તો અમને ડિપોઝીટ પાછી કેવી રીતે મળશે? મોટા ભાગના લોકો અહીં દસ્તાવેજો વગર રહે છે.



Google NewsGoogle News