'કોઈપણ ધર્મમાં લાઉડસ્પીકરનો ઉપયોગ જરૂરી બાબત નથી..', બોમ્બે હાઈકોર્ટનું મહત્ત્વપૂર્ણ અવલોકન
Loud Speaker News | પ્રાર્થના કરવા અથવા ધાર્મિક મંત્રો ઉચ્ચારવા માટે લાઉડસ્પીકર વાપરવા કોઈ પણ ધર્મની આવશ્યક બાબત ન હોવાનું જણાવીને બોમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસને ધ્વનિ પ્રદૂષણ કાયદા 2000નો કડકાઈથી અમલ કરવાનો મુંબઈ પોલીસને નિર્દેશ આપ્યો છે અને લાઉડસ્પીકર વાપરીને કોઈ ધાર્મિક સ્થળ ધ્વનિ પ્રદૂષણ કરે નહીં તેની તકેદારી લેવા જણાવ્યું છે.
મુંબઈ સર્વધર્મી શહેર છે અને વિવિધ ધર્મના લોકો અહીં રહે છે, એમ કોર્ટે નોંધ કરી હતી.લાઉડસ્પીકરનો વપરાશ નકારવાથી કોઈ રીતે અધિકાર પર અસર થતી હોવાનો કોઈ દાવો કરી શકે નહીં. જનહિતમાં આવી પરવાનગી આપવી જોઈએ નહીં. પરવાનગી નકારવાથી કોઈ બંધારણીય અધિકારનો ભંગ થતો નથી.
મુંબઈ પોલીસને આવા ધ્વનિ પ્રદૂષણકર્તાઓ સામે પગલાં લેવાની સત્તા છે અને આથી પોલીસે કઈ રીતે ફરિયાદ મળ્યા બાદ પગલાં લેવા જોઈએ એની નિયમાવલી જારી કરી છે.
આ નિયમાવલી અનુસાર એક વાર જો કોઈ નાગરિક પોલીસમાં ધાર્મિક સ્થળ કે અન્ય સ્થળ સામે ધ્વનિ પ્રદૂષણની ફરિયાદ કરે તો પોલીસે ફરિયાદીની ઓળખ પૂછ્યા વિના અને જો ઓળખ મળી હોય તો ગુનેગારને ઓળખ છતી કર્યા વિના નીચે મુજબના પગલાં લેવાના રહેશે.
1. પહેલી વાર કથિત ગુનેગારને ચેતાવણી આપવાની રહેશે.
2. બીજી વાર એ જ ગુનેગાર સામે ફરિયાદ મળતાં પોલીસ મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ ધાર્મિક સ્થળ પર દંડ ફટકારે અને દંડની રકમ તેના ટ્રસ્ટી કે મેનેજર પાસેથી વસૂલે અને તેમને ભવિષ્યમાં ફરિયાદ મળતાં કડક પગલાંની ચેતાવણી આપે.
3. હજીય એ જ ધાર્મિક સ્થળને લઈને ફરિયાદ મળે તો પોલીસે મહારાષ્ટ્ર પોલીસ એક્ટની કલમ 70 અનુસાર લાઉડસ્પીકર જપ્તીની કાર્યવાહી કરવાની રહેશે અને લાઉડસ્પીકર કે એમ્પ્લીફાયર વાપરવાનું લાયસન્સ રદ કરવાની કાર્યવાહી કરવાની રહશે.
મુંબઈના કુર્લા અને ચુનાભટ્ટી વિસ્તારના બે જન કલ્યાણ સંગઠન દ્વારા કરાયેલી અરજી પર મહત્વનો આદેશ અપાયો હતો. અરજીમાં આ વિસ્તારમાં આવેલા અનેક મસ્જિદ અને મદરેસા દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ સામે પોલીસની નિષ્ક્રિયતાની ફરિયાદ કરાઈ હતી. મસ્જિદો લાઉડસ્પીકર, વોઈસ એમ્પ્લીફાયર અને માઈક્રોફોન પણ દિવસમાં પાંચ વાર અઝાન માટે વાપરતા હોવાથી અસહ્ય ધ્વનિ પ્રદૂષણ થાય છે એમ અરજીમાં જણાવાયું હતું.આ ઉપકરણો પરવાનગી વિના વાપરતા હોવાનો પણ અરજીમાં આરોપ કરાયો હતો.
અમારા મતે પોલીસ ફરજથી બંધાયેલી છે કે તેઓ જરૂરી પગલાં લઈને કાયદાનો અમલ કરે. લોકશાહી રાજ્યમાં એવું થવું જોઈઅ ેનહીં કે અમુક લોકો કાયદાનું પાલન કરે નહીં અને કાયદો અમલ કરતી અજેન્સી મુક દ્રષ્ટા બનીને જોતી રહે, એમ જજે ભારપૂર્વક જણાવ્યું હતું.
ધ્વનિ પ્રદૂષણ નિયમ અનુસાર દિવસે ૫૫ ડેસિબલ અને રાત્રે 45 ડેસિબલની પરવાનગી છે. આથી પોલીસે ડેસિબલ સ્તર રેકોર્ડ કરતી વખતે એક લાઉડસ્પીકરનો અવાજ માપવાને બદલે તમામ લાઉડસ્પીકરના એકત્રિત ધ્વનિ સ્ચતરને માપવાના રહેશે.
કાયદામાં એક દિવસના રૂ.5000નો દંડ કરવાની જોગવાઈ છે 365 દિવસના રૂ. 18,25,000નો દંડ થઈ શકે છે.
કાયદાનો ભંગ કરનારા અધિકાર સમજીને કૃત્ય કરે છે જ્યારે ફરિયાદીએ એકલદોકલ હોવાથી નિસહાય હોય છે. અમે આ બાબતની કાયદાકીય નોંધ લઈએ છીએ કે જ્યાં સુધી અસહ્ય બને નહીં ત્યાં સુધી સામાન્ય નાગરિકો ફરિયાદ કરતા નથી.કોર્ટે રાજ્ય સરકારને પણ ધાર્મિક સંસ્થાઓ, સ્થળો દ્વારા વપરાતા ઉપકરણોમાંથી નીકળતા અવાજ અથવા જ જનતાને સંબોધવા વપરાતા લાઉડસ્પીકરો કે અન્ય ઉપકરણોના ડેસિબલ સ્તરને નિયંત્રિત રાખવા ઈન બિલ્ટ યંત્રણા ધરાવવાનો નિર્દેશ આપવાનો વિચાર કરવા આદેશ આપ્યો છે.
આવા ઉપકરણોમાં સ્વયંસ્ચાલિત રીતે ધ્વનિ મર્યાદા ગોઠવવાયેલી રહે એવા નિર્દેશ આપવાનો ગંભીર વિચાર કરવાનું પણ કોર્ટે સરકારને આદેશમાં જણાવ્યું છે. આ સાથે કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો.