કાંદાને લાંબો સમય ટકાવવા માટે જોખમી કેમિકલ્સનો ઉપયોગ
ભાવવધારો વેઠતા લોકોના આરોગ્ય સામે જોખમ
પાચન તંત્રની બીમારી અને કેન્સરનું સુદ્ધા જોખમ : એપીએમસીના વેપારીઓ દ્વારા તપાસની માગણી
મુંબઇ : દિવાળીના તહેવારના દિવસોમાં લોકો મોંઘા ભાવના કાંદા ખરીદવા મજબૂર છે ત્યારે જ બીજી બાજુ ચોકાવનારા સમાચાર આવ્યા છે કે કાંદા લાંબો સમય ટકી રહે એટલા માટે જોખમી કેમિકલોનો ઉપયોગ વધવા માંડયો છે. આને કારણે લોકોના આરોગ્ય સામે ગંભીર જોખમ ઉભુ થયું છે.
નવી મુંબઇની એ.પી.એમ.સી. (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ)ના વેપારીઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જેમ કેરીની સિઝનમાં ફળને પકાવવા માટે રસાયણો વપરાય છે એવી રીતે જૂના કાંટા બગડે નહીં એ રીતે લાંબો સમય ટકાવવા જાત જાતના કેમિકલ્સ વપરાવા માંડયા છે. ગોદામોમાં કાંદાનો સંગ્રહ કરનારા આ રસાયણો વાપરીને કાંદા બગડતા અટકાવે છે અને પછી જ્યારે ભાવ ઊંચકાય ત્યારે વેંચવા માડે છે જેથી વધુ નફો રળી શકાય.
એપીએમસીના વેપારીઓએ એવો આક્ષેપ કર્યો હતો કે કાંદા ઉપર બીએસસી પાવડર, સલ્ફર પાવડર અને પોલીગર પાવડરનો ઉપયોગ વધવા માંડયો છે. આ ખરેખર ચિંતાજનક બાબત છે. અહમદનગર, પારનેર, જામખેડમાં મોટા વેરહાઉસ છે એમાં સંગ્રહી રખાતા કાંદામાં કેમિકલ્સનો ઉપયોગ થાય છે. પહેલાં તો રસ્તા ભાવે જૂના કાંદા ખરીદવામાં આવે છે. અને પછી લાંબો સમય રાખી મૂકવામાં આવે છે. જ્યારે માર્કેટમાં માલની ખેંચ ઉભી થાય ત્યારે ઉંચા ભાવે વેંચવાની શરૃઆત કરવામાં આવે છે.
નિષ્ણાતોના કહેવા મુજબ આ કેમિકલ લગાડેલા કાંડા ખાવાને લીધે શ્વાસની તકલીફ, અપચાની તકલીફ, ઝાડા-ઉલ્ટી, ચામડીમાં બળતરા અને કેન્સર થવાની શુધ્ધા શક્યતા રહે છે.
કાંદા-બટેટાના વેપારી મનોહર તોલાનીએ વેરહાઉસમાં કેમિકલના ઉપયોગ અંગે તાત્કાલિક તપાસ હાથ ધરવાની અને જે વેરહાઉસવાળા આ કેમિકલ વાપરતા હોય તેની સામે દંડાત્કમક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.