જજોના નામે છેતરપિંડીના કોલ, મેસેજ કે લિંકનો જવાબ નહીં આપવા તાકીદ
હાઈકોર્ટ પ્રશાસને આ બાબતે નોડલ ઓફિસરની નિયુક્તિ કરી
ન્યાયમૂર્તિઓના નામે છેતરપિડીના કિસ્સા વધતાં બોમ્બે હાઈકોર્ટે ચેતવણી જાહેર કરીઃ તત્કાળ પોલીસને જાણ કરવા સૂચના
મુંબઈ : જજ હોવાનું કહીને કૌભાંડીયાઓ દ્વારા જેમને છેતરપિંડીના કોલ, સંદેશા કે લિંક આવતાં હોય તેમને ઉત્તર નહીં આપવાની સલાહ આપીને બોમ્બે હાઈ કોર્ટે આ બાબતની ફરિયાદ માટે નોડલ એફિસરની નિયુક્તિ કરી છે.
બોમ્બે હાઈ કોર્ટે ચેતાવણી જાહેર કરી છે કે કૌભાંડી લોકો દ્વારા જનતાને ફોન કોલ કરીને અથવા ટેક્સ મેસેજ અથવા લિંક મોકલાવીને પૈસાની માગણી કરવામાં આવે છે અને તેઓ હાઈકોર્ટના જજ કે અદાલતી અધિકારી હોવાની ઓળખ બતાવે છે. હાઈકોર્ટ એડમિનિસ્ટ્રેશને રાજેન્દ્ર ટી વિરકરને નોડલ ઓફિસર નિયુક્ત કરીને આવી ઘટનાઓની ફરિયાદ હેન્ડલ કરવા જણાવાયું હોવાનંું હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે આપેલી નોટિસમાં જણાવાયું છે.
આ રીતના કોલ, સંદેશા કે લિંક મેળવનારા લોકોને સલાહ છે કે તેઓ આ બાબતની જાણ તાત્કાલિક નોડલ ઓફિસરને કરે. જનતાને આવી બાબતની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવાની સૂચના અપાઈ છે. આવી છેતરપિંડીના પ્રવૃત્તિને હાથ ધરવા પોલીસ સાથે મળીને હાઈકોર્ટ પ્રશાસન કામ કરી રહ્યું છે અને કોર્ટે જનતાનો સહકાર માગ્યો છે, એમ નોટિસમાં જણાવાયું છે.