ગણેશ મંડળોને પીઓપીની મૂર્તિ નહિ વાપરવા તાકીદ કરોઃ હાઈકોર્ટનો આદેશ
ગણેશોત્સવ નજીક હોવાથી આ વર્ષે સદંતર બંધી લાદવાનું ટળાયું
જે મંડળને પરવાનગી મળી છે તેમને સૂચિત કરવામાં આવે અને જેમને પરવાનગી જોઈતી હોય તેઓ બાંયધરી આપેઃ ઘરેલુ મૂર્તિ અંગે અંતિમ સુનાવણીમાં નિર્ણયઃ સરકારને કાયદાનું માલખું બનાવી દંડાત્મક પગલાં શરૃ કરવા નિર્દેશ
મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે શુક્રવારે મુંબઈ મહાપાલિકા અને રાજ્યની અન્ય પાલિકાઓને નિર્દેશ આપીને સાર્વજનિક ગણેશોત્સવ મંડળોને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી)ની નિયમાવલીનું ફરજીયાત પાલન કરવાની સ્પષ્ટ સૂચના આપવાનો અને તેઓ પ્લાસ્ટર ઓફ પેરિસ (પીઓપી)ની મૂર્તિઓ નહીં બેસાડે એવી શરત લાદવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે નિયમાવલીનું પાલન નહીં કરવા બદલ પાલિકાઓની ઝાટકણી કાઢી હતી.
નિયમાવલીનું ઉલ્લંઘન કરનારા પર દંડ લાવા જેવા પગલાં લવા કાયેદેસર ઉપાયો તૈયાર કરવા સરકારને સૂચના આપી છે. અત્યાર સુધીમાં વિવિધ મંડળોને પરવાનગી આપી દેવાઈ હોવાનંં નોંધીને કોર્ટે જણાવ્યું હતું કે મંડળોને જણાવવું જોઈએ કે તેઓ ફરજિયાત નિયમોનું પાલન કરશે. જ્યાં પરવાનગીઓ આપી દેવાઈ છે તેમને પીઓપીની મૂર્તિ નહીં બેસાડાનું કહેવામાં આવે અને જ્યાં પરવાનગી લેવાઈ નથી તેમની પાસેથી આ મુજબની બાંયધરી લેવામાં આવે.
ઘરેલુ ગણપતિની વાત છે ત્યાં અરજદારના વકિલે મૂર્તિના વ્યક્તિગત વેચાણ પર દેખરેખ રાખવાનો આદેશ આપવાની દાદ માગી હતી. જોકે મુખ્ય ન્યાયમૂર્તિએ આવી હાલ જરૃર નથી અંતિમ સુનાવણીમાં નક્કી કરાશે એમ જણાવ્યું હતું.
સવારના ભાગની સુનાવણીમાં કોર્ટે મૌખિક રીતે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું ક ચાર વર્ષ પૂર્વે નિયમાવલી લાગુ કરાઈ હોવા છતાં તેનો અમલ થતો નથી. કોટે મુંબઈ મહાપાલિકાની ઝાટકણી કાઢી હતી અને સંકેત આપ્યો હતો કે આ વર્ષ માટે પણ પીઓપીની મૂર્તિના વપરાશ પર સપૂંર્ણ પ્રતિબંધ લાદશે. ઓથોરિટી વકિલે આ વર્ષે મહોત્સવ રદ થશે અને આવતા વર્ષથી બંધી લાગુ કરવાની સલાહ આપી હતી.
બ્રેક બાદની સુનાવણીમાં મુખ્ય ન્યાયમૂર્તિએ સ્પષ્ટતા કરી હતી કે હાલ અમે કેસની અંતિમ સુનાવણી કરતા નથી અને કોઈ આકરો આદેશ આપતા નથી અને નિયમાવલી પાળવા પર ભાર મૂકીએ છીએ અને કોઈક જવાબદારી નક્કી થવી જોઈએ.
નિયમાવલી કાયદો નહોવાથી પહેલાં કાનૂની માળખું તૈયાર કરવા અને દંડ લાદવાનો વિચાર સરકાર કરે તો પણ બહુ છે એવી ચિંતા કોર્ટે વ્યક્ત કરી હતી.
સરકાર વતી અડેવોકેટ જનરલ બિરેન્દ્ર સરાફે જણાવ્યું હતંં કે સરાકરે અનેક પગલાં લઈને લોકોને સજાગ કરવાના પ્રયાસ કર્યા છે. આની અસર પણ થઈ છે અને કેટલાંક લોકો માટીની મૂર્તિ વાપરવા લાગ્યા છે. કોર્ટે તમામ પક્ષકારોને નિર્દેશ આપીને જવાબ નોંધાવવા નિર્દેશ આપ્યો છે. કોર્ટે ૨૧ ઓક્ટોબર પર સુનાવણી રાખી છે.