યુનિવર્સિટીના પ્રોફેસરોને બાયોમેટ્રિક હાજરી પ્રમાણે કલાકો ગણી પગાર અપાશે
મુંબઈ યુનિવર્સિટીના સર્ક્યુલરથી પ્રાધ્યાપકોમાંં આશ્ચર્ય!
શિક્ષકોની અઠવાડિયાના 40 કલાકની હાજરી જરુરી; સહાયક પ્રાધ્યાપકે 16 તો સહયોગી પ્રોફેસર તેમજ પ્રોફેસરે 14 કલાક ભણાવવું આવશ્યક
મુંબઈ : આ મહિનાની શરુઆતથી મુંબઈ યુનિવર્સિટીના પ્રોફેસરોના પગારને તેમના બાયોમેટ્રિક હાજરી ડેટા સાથે લિન્ક કરવામાં આવશે અને તેમના કામના નિશ્ચિત કલાકોને ધ્યાનમાં લેવામાં આવશે. યુનિવર્સિટીએ આ બાબતે એક પરિપત્રક બહાર પાડી જણાવ્યું છે કે, સાતમા વેતનપંચમાં જણાવ્યા પ્રમાણે શિક્ષકોનો અઠવાડિયાનો વર્કલોડ ૪૦ કલાકનો અને તેમાંથી ૧૬ કલાક ભણાવવા માટેનો છે.
મુંબઈ યુનિવર્સિટીમાં છેલ્લાં કેટલાંક સમયથી બાયોમેટ્રિક હાજરી લેવાઈ રહી છે. પરંતુ નવા આવેલાં સર્ક્યુલરથી ઘણાં શિક્ષકોને આંચકો ે લાગ્યો છે, કારણ તેમાં કહેવાયું છે કે, સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી માત્ર હાજરી ગણવામાં આવતી હતી. પરંતુ કામના કલાકોને ધ્યાનમાં લેવાતાં નહોતાં. પરંતુ ઑક્ટોબરથી પ્રોફેસરોએ સાતમા વેતનપંચમાં જણાવેલ અપેક્ષિત કલાકો પૂર્ણ કરવાના રહેશે.
વર્કલોડની વ્યાખ્યાને પુનરાવર્તિત કરતા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ.પ્રસાદ કારંડે દ્વારા સહી કરાયેલ ૨૬ સપ્ટેમ્બરના પરિપત્રકમાં જણાવાયું છે કે, એક શૈક્ષણિક વર્ષમાં સંપૂર્ણ રોજગાર (ફૂલ એમ્પ્લોયમેન્ટ)માં શિક્ષકોનો વર્કલોડ ૩૦ કામકાજના અઠવાડિયા (૧૮૦ શિક્ષણ દિવસ) માટે અઠવાડિયાના ૪૦ કલાકથી ઓછો હોવો જોઈએ નહીં. શિક્ષક યુનિવર્સિટીમાં દરરોજ ઓછામાં ઓછાં પાંચ કલાક ઉપલબ્ધ હોય તે જરુરી છે. જોકે એક્ટિવિટી એક્સ્ટેન્શન અને પ્રશાસકીય કામમાં વ્યસ્ત પ્રોફેસરોને વર્કલોડમાં ૨ કલાકની રાહત અપાયેલી છે. શિક્ષકોની સંશોધન પ્રવૃત્તિઓ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછાં ૬ કલાક ફાળવવામાં આવી શકે. ૪૦ કલાકમાંથી આસિસ્ટંટ પ્રોફેસરે ૧૬ કલાક અને એસોસિએટ પ્રોફેસર્સ તેમજ પ્રોફેસર્સે ૧૪ કલાક ભણાવવાનું રહેશે.
જોકે શિક્ષકોનું કહેવું છે કે, માનવબળ ઓછું છે, શિક્ષકઃવિદ્યાર્થી વચ્ચેના ગુણોત્તરમાં પણ ઘણો તફાવત છે. આથી શિક્ષકો પહેલેથી જ નિયત સમય કરતાં વધુ કામ કરી રહ્યાં છે. ત્યારે યુનિવર્સિટી આવું પરિપત્રક બહાર પાડે તે હાસ્યાસ્પદ બાબતથી વધુ કંઈ નથી. આ બાબતે બોમ્બે યુનિવર્સિટી એન્ડ કૉલેજ ટીચર્સ યુનિયન (બીયુસીટીયુ)ના અધિકારીઓનું કહેવું છે કે, પ્રશાસન શિક્ષકોને આવતી અડચણોને સમજ્યા વિના સર્ક્યુલર જાહેર કરી ડર ફેલાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ શિક્ષકોની સમસ્યાઓ ઉકેલવા તેમણે પ્રયાસ કરવો જોઈએ.