પુણેમાં બેકાબૂ કારે 5 મજૂરોને કચડયાઃ 3નાં મોત

Updated: Sep 26th, 2023


Google NewsGoogle News
પુણેમાં બેકાબૂ કારે 5 મજૂરોને કચડયાઃ 3નાં મોત 1 - image


કલ્યાણ- અહમદનગર હાઇવે પર દુર્ઘટના

કામ પતાવી પગપાળા ઘરે પરત જઈ રહેલા શ્રમિકો ભોગ બન્યા

મુંબઇ :  પુણેમાં રવિવારે રાત્રે બનેલ એક ભીષણ અકસ્માતમાં બેકાબૂ કારે મધ્ય પ્રદેશથી કામ માટે આવેલ પાંચ મજૂરોને કચડી નાંખ્યા હતા. આ ઘટનામાં ત્રણ મજૂરોના મોત થયા હતા જ્યારે બે મજૂરોની હાલત ગંભીર હોવાથી આળેફાટાની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે.

આ સંદર્ભે પ્રાપ્ત વધુ વિગતાનુસાર કલ્યાણ- અહમદનગર હાઇવે પર આવેલ ડિંગોરે ગામની હદમાં દત્તમંદિર નજીક કેઠશ્વરી પુલ પાસે રવિવારે આ ભીષણ દુર્ઘટના બની હતી. પૂરપાટ વેગે આવી રહેલ કારે બેકાબૂ બની અહીંથી પસાર થઇ રહેલા મધ્ય પ્રદેશના પાંચ મજૂરોને અડફેટમાં લીધા હતા. આ અકસ્માત એટલો ભીષણ હતો કે મજૂરો ઉછળીને દૂર પડયા હતા. આ ઘટનામાં બે મજૂરોના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે ત્રણ જણ ગંભીર ઘવાયા હતા.

આ ઘટનાની જાણ થતા જ દોડી આવેલ પોલીસે ઘાયલોને આળેફાટાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં સારવાર દરમિયાન વધુ એક મજૂરનું મોત થયું હતું. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલ બે જણની હાલત  ચિંતાજનક બતાવવામાં આવી રહી છે. મૃતકોમાં જગદીશ મહેન્દ્રસિંહ ડાવર, સુરમલ માંજલે, દિનેશ તારોલેનો સમાવેશ થાય છે જ્યારે દિનેશ જાધવ અને વિક્રમ તારોલે ગંભીર ઇજા પામ્યા છે.

અહીંના એક ખેતરમાં કામ પતાવી આ મજૂરો હાઇવે પરથી પગપાળા તેમના ઘરે જઇ રહ્યા હતા ત્યારે આ ગમખ્વાર અકસ્માત થયો હતો. આ પાંચેય મજૂર અહીંના એક ખેતરમાં કામ કરવા ત્રણ- ચાર દિવસ પહેલા જ મધ્યપ્રદેશથી આવ્યા હતા. આ ઘટના બાદ ઓતૂર પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પોલીસે આ પ્રકરણે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News