મુંબઇમાં દિવસભર અસહ્ય બફારોઃ થાણે, ડોંબિવલી, રાયગઢમાં વરસાદ
બોરીવલી અને મુલુંડમાં પણ સાંજે આછેરી વર્ષા
આવતા 4 દિવસ મહારાષ્ટ્રમાં થન્ડર સ્ટોર્મ સાથે કરા -વરસાદનો વરતારોઃ મુંબઈમાં ઉકળાટ અનુભવાશે
મુંબઇ - આજે સતત બીજા દિવસે મુંબઇગરાંને બળતા બપોરનો અનુભવ થયો હતો. હજી ગઇ ૧૩,મે એ મુંબઇ અને નજીકનાં થાણે,પાલઘરમાં ધુળની આંધી,તોફાની પવન, વરસાદનું ભારે મોટું ત્રેખડ સર્જાયું હતું. આમ છતાં મુંબઇગરાંને ગરમી અને બફારામાં જરાય રાહત નથી રહી. બીજીબાજુ આજે સાંજે લગભગ સાત વાગે બોરીવલી, વરલી,મુલુંડ,પવઇ, નવી મુંબઇમાં આછેરી વર્ષા થઇ હોવાના સમાચાર મળે છે.
લગભગ સાડા ચાર વાગે થાણેમાં અને સાંજે લગભગ ૫ ઃ૩૦ -- છ વાગે ડોબીવલીમાં વરસાદી માહોલ સર્જાયો હોવાના સમાચાર મળે છે.વરસાદથી થાણે અને ડોંબીવલીમાં ગરમીમાં આછેરી રાહત રહી હતી.
આજે કોંકણનાં ચીપલુણ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં,મધ્ય મહારાષ્ટ્રના નાશિક નજીકના નિફાડમાં અને પુણેમાં પણ મેઘગર્જના, વીજળીના કડાકા,તોફાની પવન સાથે વરસાદી વાતાવરણ સર્જાયું હોવાના સમાચાર મળે છે.
હવામાન વિભાગે એવી માહિતી આપી હતી કે આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૪.૦ અને લઘુત્તમ તાપમાન ૨૮.૫ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન૩૫.૯ અને લઘુત્તમ તાપમાન ૨૮.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૮૫ -૭૪ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૭૫ -૫૨ ટકા રહ્યું હતું.
આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇમાં મહત્તમ તાપમાન ૩૬.૦--૩૫.૦ ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૯.૦ --૨૭.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની સંભાવના છે.આમ મુંબઇગરાંએ હજી બપોરે ગરમી અને ઉકળાટ માટે તૈયાર રહેવું પડશે.
હવામાન વિભાગનાં ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સુનીલ કાંબળેએ ગુજરાત સમાચારને એવી માહિતી આપી હતી કે હાલ મુંબઇ પર દક્ષિણ-પૂર્વ(અગ્નિ) દિશાના પવનો વાતાવરણના નીચેના પટ્ટામાં ફૂંકાઇ રહયા છે.અગ્નિ દિશાના પવનો તેની સાથે ગરમી લેતા આવતા હોવાથી મુંબઇ અને નજીકનાં થાણે અને પાલઘરમાં હીટવેવનો ઉકળતો માહોલ રહ્યો હતો.
ઉપરાંત, હાલ કર્ણાટકથી વિદર્ભ સુધીના ગગનમાં ૦.૯ કિલોમીટરના અંતરે હવાના હળવા દબાણનો પટ્ટો સર્જાયો છે.
હવામાન વિભાગે એવો વરતારો આપ્યો છે કે આવતા ચાર દિવસ(૧૭થી ૨૦-- મે) દરમિયાન કોંકણ(રાયગઢ,રત્નાગિરિ, સિંધુદુર્ગ),મધ્ય મહારાષ્ટ્ર(નાશિક,અહમદનગર,પુણે, કોલ્હાપુર, સાતારા, સાંગલી,સોલાપુર),મરાઠવાડા(છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ,હિંગોળી, નાંદેડ,લાતુર),વિદર્ભ (અકોલા,અમરાવતી,ભંડારા,બુલઢાણા,ગઢચિરોળી)માં મેઘગર્જના, વીજળીના ચમકારા,તીવ્ર પવન સાથે કરા -વરસાદનું વાતાવરણ સર્જાય તેવી સંભાવના છે.
આજે જળગાંવ ૪૨.૮ ડિગ્રી સેલ્સિયસ સાથે આખા મહારાષ્ટ્રનું સૌથી હોટ સ્થળ નોંધાયું હતું. જ્યારે ગિરિમથક મહાબળેશ્વર ૧૯.૬ ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી કૂલ સ્થળ રહ્યું હતું.