ઉલ્હાસ નદીએ ભયજનક સપાટી વટાવી : બારવી ડેમ છલકાવાની તૈયારી
કલ્યાણમાં ભારે વરસાદથી જળસપાટી વધી
રાયતા પુલ પરથી વાહનવ્યવહાર બંધ કરાયોઃ નદીકાંઠાના ગામડાના લોકોને સતર્ક રહેવા ચેતવણી
મુંબઇ : થાણે જિલ્લાના કલ્યાણ તાલુકામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે ઉલ્હાસ નદી ભયજનક સપાટી વટાવી છે. આ સાથે જ બદલાપુરનો બારવી ડેમ છલકાવાની તૈયારી છે. એટલે જ પ્રશાસને નદીકાંઠાના ગામડામાં વસતા લોકોને સતર્ક રહેવાની સૂચના આપી દીધી છે આ સાથે જ એનડીઆરએફની ટીમ પણ સજ્જ રાખવામાં આવી છે.
કલ્યાણમાં રવિવારે લગભગ ચાર ઇંચ વરસાદ પડતા નીચાણવાળા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ગઇ કાલે સાંજે ઉલ્હાસ નદીનું પાણી રાયતા પુલ ઉપરથી ધસમસતું વહેવા માંડતા વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી.
બદલાપુરના બારવી ડેમના ઉપરવાસમાં ચાલુ રહેલા જોરદાર વરસાદને લીધે આ ડેમ ૯૪.૧૬ ટકા ભરાઇ ગયો છે. ડેમની પાણીની સપાટી ૭૨.૦૩ મીટર પર પહોંચી છે અને ઓવરફ્લો લેવલ ૭૨.૬૦ મીટર છે. એટલે આ સપાટીએ પહોંચતા ૧૧ ઓટોમેટિક દરવાજા આપ મેળે ખુલી જશે. એટલે જ નદીકાંઠાના આસ્નોલી, ચાંદમ, ચાંદપપાડા, પાદીરપાડા, કારંદ, ચોણ, રહાટોલી, ફણસવાડી વગેરે ગામડાના લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપવામાં આવી છે.