ટોરેસ કૌભાંડમાં પકડાયેલા યુક્રેનના અભિનેતાનો ભારતીય હોવાનો દાવો
પોન્ઝી સ્કીમ દ્વારા હજારો રોકાણકારો સાથે કરોડોની ઠગાઈ
બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો રજૂ કર્યા : જોકે, બર્થ સર્ટિ. બોગસ હોવાની પોલીસની કોર્ટમાં રજૂઆત
મુંબઈ - ટોરેસ કૌભાંડમાં પકડાયેલા યુક્રેનના અભિનેતા અરમીન અટૈની પાસે બનાવટી બર્થ સર્ટિફિકેટ છે અને તેણે પોતે ભારતીય નાગરિક હોવાનો દાવો કર્યો હોવાનું પોલીસે કોર્ટને જણાવ્યું હતું.
ગયા સપ્તાહે પકડાયેલા અભિનેતાને કોર્ટે સોમવારે ૧૪ દિવસની દાલતી કસ્ટડી આપી હતી. પોલીસે તેની કસ્ટડી લંબાવવાની રજૂઆત કરી ન હોતી પણ જણાવ્યું હતું કે જરૃર પડયે ફરી રિમાન્ડ માટે અરજી કરાશે.
તપાસમાં અતૈનીએ દાવો કર્યો હતો કે તે ભારતીય નાગરિક છે અને બોગસ બર્થ સર્ટિફિકેટ, આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સ અને અન્ય દસ્તાવેજો રજૂ કર્યા હતા, એમ પોલીસે રજૂ કરેલી રિમાન્ડ અરજીમાં જણવ્યું હતું.
દસ્તાવેજો તપાસવામાં આવતાં બર્થ સર્ટિફિકેટને લઈને શંકા ગઈ હતી કેમ કે તેમાં બૃહન્મુંબઈ મહાપાલિકાના એફ વોર્ડ દ્વારા રજૂ કરાયાનું જણાવ્યું હતું. વોર્ડમાં ચકાસણી કરતાં આ સર્ટિફિકેટ બનાવટી જણાયું હતું.
ટોરેસ જ્વેલરી બ્રન્ડની માલિક પ્લેટિનમ હર્ન પ્રા.લિ.સામે રોકાણકારો સાથે કરોડોની ઠગાઈ કરવાનો આરોપ છે. કેસમાં છ જણની ધરપકડ થઈ છે. ૧૦,૮૦૦થી વધુ રોકાણકારોએ પોલીસમાં ફરિયાદ કરી છે અને રૃ. ૫૭ કરોડથી વધુની ઠગાઈ થઈ હોવાનું કહેવાય છે.