Get The App

1000 કરોડના ટોરેસ કૌભાંડમાં યુક્રેનના આર્ટમ અને ઓલેના માસ્ટર માઈન્ડ

Updated: Jan 12th, 2025


Google NewsGoogle News
1000 કરોડના ટોરેસ કૌભાંડમાં યુક્રેનના આર્ટમ અને ઓલેના માસ્ટર માઈન્ડ 1 - image


એજન્ટોને પ્રોત્સાહન રુપે અપાયેલી ૧૪ વૈભવી કાર જપ્ત કરાશે

દાદરની ઓફિસનું ભાડું જ મહિને પચ્ચીસ લાખ રુપિયાઃ સીઈઓ છતાં તૌસીફને  મહિને માત્ર ૪૬ હજાર પગાર

મુંબઇ: કરોડો રૂપિયાના ટોરેસ પોન્ઝી કૌભાંડ ની તપાસમાં થયેલા એક નોંધપાત્ર  પ્રગતિ  હેઠળ મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખા (ઇઓડબલ્યુ)એ અધિકૃત રીતે જાહેર કરતા જાણાવ્યું હતું કે આ સમગ્ર કૌભાંડના માસ્ટર માઇન્ડ યુક્રેનના  આર્ટેમ અને ઓલેના છે. પોલીસ સૂત્રોનુસાર આ બન્નેએ આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આરોપીઓએ મોંઘા સ્ટોન, સોના અને ચાંદી પરના રોકાણ પર ઉંચા વળતરનું વચન આપી રોકાણકારોને છેતર્યા હતા.

આર્થિક ગુના શાખાએ હવે લકી ડ્રોના ભાગરૂપે એજન્ટોને કથિત રીતે વહેચવામાં આવેલી ૧૪ લકઝરી કારોને જપ્ત કરવાનું નક્કી કર્યું છે.  આ કાર રોકાણકારોને સ્કીમમાં આકર્ષવા અને વધુ રોકાણકારોને  ખેંચી લાવવા  ઇન્સેન્ટીવના ભાગરૂપે આપવામાં આવી હતી. પોલીસે હવે આ પ્રકારની કાર મેળવનારાઓની પણ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત શું કૌભાંડની આવકથી આ કાર ખરીદવામાં આવી હતી કેમ તેની પણ તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત આર્થિક ગુના શાખાના સૂત્રોનુસાર ભાગેડુ આરોપી તૌસિફ રિયાઝે દાદરમાં  કંપનીની સ્થાપના અને રોજીંદા પ્રવૃત્તિ શરૂ કરવામાં મુંખ્ય ભૂમિકા ભજવી હતી. તૌસિફ રિયાઝ જેને જ્હોન કાર્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે તેણે મુંબઇના દાદર વિસ્તારમાં હાલની ટોરેસની જગ્યા ઓલેના અને આર્ટેમને મેળવી આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કામના શીરપાવરૂપે તેને કંપનીનો સીઇઓ બનાવવામાં આવ્યો હતો.

વિરારનો રહેવાસી અને હાઇસ્કૂલનો અભ્યાસ છોડી દેનાર તૌસીફ ટોરેસમાં મહત્વની પોઝીશન સંભાળવા પહેલા આધારકાર્ડ એજન્ટ તરીકે કામ કરતો હતો. તેણે દાદરમાં માસિક  પચ્ચીસ  લાખના ભાડેથી ૧૧,૫૦૦ સ્કવેર ફૂટની વિશાળ ઓફિસની વ્યવસ્થા ટોરેસ કંપનીને કરી આપી હતી. એવું કહેવાય છે કે દાદરના આ શોરૂમની જગ્યા કોઇ મહેતા નામના માલિકની છે. 

તૌસીફ અહીં સીઇઓ તરીકે કામ કરતો હોવા છતાં દરમહિને તે ફક્ત ૪૬ હજારની સાધારણ રકમ પગાર તરીકે મેળવતો હતો. આ ઉપરાંત ટોરેસના ડિરેકટર સર્વેશ સુર્વેને પણ ફક્ત ૪૬ હજારનો જ પગાર આપવામાં આવતો હતો. પોલસના તપાસકર્તાઓએ હજારો લોકો સાથે છેતરપિંડી કરવા માટે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલી મોડ્સ ઓપરેન્ડીની વિગત આપતા જણાવ્યું હતું કે યુકેનિયન માર્સટમાઇન્ડ આર્ટેમ અને ઓલેના દ્વારા  રોકાણકારોને આકર્ષવા સસ્તા મોઇસેનાઇટના નંગ વળતર તરીકે આપવામાં આવતા હતા.


Google NewsGoogle News