'અદાણીનો કરોડોનો પ્રોજેક્ટ રદ કરી નાખીશ...', ચૂંટણી ઢંઢેરામાં ઉદ્ધવ ઠાકરેએ કર્યો મોટો વાયદો
Image Source: Twitter
Uddhav Thackeray Shiv Sena Releases Manifesto: મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના (UBT)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પોતાની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ ચૂંટણી ઢંઢેરામાં તમામ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવને સ્થિર કરવાનું આશ્વાસન આપ્યું છે. આ સાથે જ ઠાકરેએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં અદાણી ગ્રુપને આપવામાં આવેલા ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને પણ રદ કરી નાખવાનો વાયદો કર્યો છે. ઠાકરેએ કહ્યું કે, મોટા ભાગના ચૂંટણી વાયદા વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી (MVA)ના ચૂંટણી ઢંઢેરાનો હિસ્સો છે, પરંતુ કેટલાક મુદ્દા છે જેના પર વિશેષ ધ્યાન આપવાની જરૂરત છે.
આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર કરવામાં આવશે
તેમણે કહ્યું કે, શિવસેના, કોંગ્રેસ અને શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) વાળું MVA ગઠબંધન 20 નવેમ્બરના રોજ યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણી માટે પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. ઠાકરેએ આશ્વાસન આપ્યું કે, જે રીતે રાજ્યમાં વિદ્યાર્થિનીઓને સરકારની નીતિ પ્રમાણે મફત શિક્ષણ મળી રહ્યું છે, જો MVA સત્તામાં આવશે તો તેને તમામ વિદ્યાર્થીઓ માટે પણ લાગુ કરી દેવામાં આવશે. MVA આવશ્યક ચીજવસ્તુઓના ભાવ પણ સ્થિર રાખશે.
આ પણ વાંચો: બોલિવૂડના 'દબંગ' બાદ હવે 'બાદશાહ'ને જાનથી મારી નાખવાની ધમકીથી ખળભળાટ, તંત્ર દોડતું થયું
અદાણીનો કરોડોનો ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ રદ કરી નાખીશ
'ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેને રદ કરી દેવામાં આવશે, કારણ કે તેની મુંબઈ પર ખરાબ અસર પડશે. ઝડપથી થઈ રહેલા શહેરીકરણને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર અને મુંબઈમાં પણ હાઉસિંગ પોલિસી બનાવવામાં આવશે. જો MVA સત્તામાં આવશે તો તે કોલીવાડા અને ગૌથાણોના ક્લસ્ટર વિકાસને રોકી દેશે અને એ રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી કરવામાં આવશે.' શિવસેના પ્રમુખે એમ પણ કહ્યું કે અમારી પાર્ટી રોજગાર નિર્માણ માટે કામ કરશે.
અમે અત્યાર સુધી અમારા તમામ વાયદાઓ પૂરા કર્યા
ઠાકરેએ વિપક્ષના રાજકીય ષડયંત્રો અને અફવાઓ ફેલાવવા પર કહ્યું કે, 'હું ચૂંટણી પ્રચાર માટે મુંબઈની બહાર જઈ રહ્યો છું, તેથી જો હું મુંબઈમાં મહા વિકાસ અઘાડીની આગામી પ્રેસ કોન્ફરન્સમાં સામેલ ન થઈ શકું તો મહેરબાની કરીને એમ ન માનશો કે ગઠબંધન તૂટી ગયું છે. અમે અત્યાર સુધી અમારા તમામ વાયદાઓ પૂરા કર્યા છે, પછી ભલે તે BMC સાથે સંબંધિત હોય કે રાજ્ય સરકાર સાથે'. અમારી પાર્ટી રોજગારના નિર્માણ તરફ કામ કરશે. ઠાકરેએ મહારાષ્ટ્ર સરકારની પ્રમુખ લડકી બહન યોજાનાનો પણ ઉલ્લેખ કર્યો, પરંતુ જો ચૂંટણી પછી MVA સત્તામાં આવશે તો આ યોજના ચાલુ રહેશે કે કેમ તે અંગે વિગતો આપવાનો ઈનકાર કરી દીધો હતો.