ઉદ્ધવ જૂથ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને શિંદે જૂથ બાળાસાહેબચી શિવસેના તરીકે ઓળખાશેઃ ચૂંટણી પંચ
ઉદ્ધવ જૂથનું નવું ચૂંટણી ચિહ્ન મશાલ રહેશે, ત્રિશૂળ ધાર્મિક પ્રતીક હોવાથી ફાળવવા ઈનકાર
શિંદે જૂથને ચૂંટણી પ્રતીક માટે નવા 3 વિકલ્પો રજૂ કરવા જણાવાયું , ઉદ્ધવ જૂથ નામ અંગેના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે, શિંદે જૂથે કહ્યું અમે જ બાળા સાહેબની સેના હોવાનું માન્ય રહ્યું છે
મુંબઈ : મહારાષ્ટ્રમાં ગયા જૂન માસમાં થયેલાં શિવસેનાના ફાડિયાં બાદ ઉદ્ધવ જૂથ અને શિંદે જૂથ બંને અસલ શિવસેના હોવાનો દાવો કરતાં હતાં. હવે કેન્દ્રીય ચૂંટણી પંચે આ બંને જૂથને નવાં નામ તથા પ્રતીકની ફાળવણી કરી છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર ઉદ્ધવ જૂથ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) તરીકે અને શિંદે જૂથ (બાળાસાહેબચી શિવસેના) તરીકે ઓળખાશે. મુંબઈની અંધેરી પૂર્વ વિધાનસભાની પેટાચૂંટણી આગામી તા. ત્રીજી નવેમ્બરે યોજાવાની છે. તેમાં ઉદ્ધવ જૂથે આ નવાં નામ તથા પ્રતીક સાથે ઝંપલાવવાનું રહેશે. ઉદ્ધવ જૂથસોશિયલ મીડિયા પર પોતાનાં નવાં નામ તથા પ્રતીકની તસવીરો પણ પ્રગટ કરી દીધી હતી. જોકે, તેણે નામ બાબતના ચૂંટણી પંચના નિર્ણયને કોર્ટમા ંપડકારવાની જાહેરાત પણ કરી દીધી છે. બીજી તરફ ચૂંટણી પંચે શિંદે જૂથને પ્રતીક માટે વધુ ત્રણ વિકલ્પ સૂચવવા જણાવાયું છે.
એકનાથ શિંદે ગૂ્રપને આવતીકાલે સવારે દસ વાગ્ય સુધીમાં ચૂંટણી પ્રતીક તરીકે ત્રણ નવાં ચિહ્નોના વિકલ્પ આપવા જણાવાયું છે. અગાઉ કેટલાક અહેવાલો અનુસાર શિંદે જૂથે ટ્રમ્પેટ, ગદા અને તલવારના વિકલ્પો સૂચવ્યા હોવાનો દાવો કેટલાક અહેવાલોમાં કરવામાં આવ્યો હતો.
ગત જૂન માસમાં અકનાથ શિંદેએ શિવસેનાના ૪૦ ધારાસભ્યો સાથે બળવો પોકાર્યો હતો. તેને પગલે ઉદ્ધવ ઠાકરે સરકારનું પતન થયું હતું અને રાજ્યમાં શિંદે જૂથ તથા ભાજપની સંયુક્ત સરકાર રચાઈ હતી. જોકે, તે દિવસથી શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ અસલી શિવસેના કોની તે બાબતે સામસામા દાવા કરી રહ્યા હતા અને શિંદે સરકારના વિશ્વાસ મત વખતે વિધાનસભામાં અપાયેલો કોનો વ્હીપ માન્ય ગણાય તે સહિતની બાબત ો અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પણ ચાલી રહી છે.
દરમિયાન શિંદે જૂથ દ્વારા ચૂંટણી પંચમાં શિવસેનાનાં ચૂંટણી પ્રતીક ધનુષ અને બાણ પર પણ દાવો કરવામાં આવ્યો હતો. તેનો ઉદ્ધવ જૂથે વિરોધ કર્યો હતો. કાનૂની લડાઈ બાદ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ મુદ્દે નિર્ણય લેતાં અટકાવી શકાય નહીં તેવો ચુકાદો આપ્યો હતો. તે પછી ચૂંટણી પંચે બંને જૂથો પાસેથી તેમના દાવાઓ સંબંધમાં દસ્તાવેજો સાથે રજૂઆતો મગાવી હતી. ચૂંટણી પંચે ધનુષ અને બાણનું પ્રતીક સ્થગિત કરી દીધું હતું અને સાથે સાથે કોઈ પણ જૂથ શિવસેનાનું નામ ઉપયોગમાં નહીં લઈ શકે તેમ પણ જણાવ્યું હતું. બંને જ ૂથોને તેમના નામ તથા પ્રતીક માટે ત્રણ-ત્રણ વિકલ્પો આપવા જણાવાયું હતું.
ઉદ્ધવ ઠાકરે ગૂ્રપ તરફથી મશાલ, ત્રિશૂળ અને ઉગતો સૂર્ય એમ ત્રણ વિકલ્પ અપાયા હતા. જોકે, ચૂંટણી પંચે આજે તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે ત્રિશૂળ ધાર્મિક ચિહ્ન હોવાથી ચૂંટણી પ્રતીક તરીકે ફાળવી શકાય નહીં જ્યારે ઉગતો સૂર્ય પહેલેથી જ તમિલનાડુમાં પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા ધરાવતા દ્રમુક પક્ષનુ ચિહ્ન છે. આથી તેનો ચૂંટણી પંચના મુક્ત પ્રતીકોની યાદીમાં સમાવેશ થતો નથી. આથી, ઉદ્ધવ જૂથને મશાલનું પ્રતીક ફાળવવામાં આવે છે એમ જણાવાયું હતું.
શિંદે જૂથે આપેલા ત્રણ વિકલ્પમાંથી પણ ગદા ધાર્મિક ચિહ્ન હોવાથી તેને માન્ય કરાયું ન હતું. બાકીના બે પ્રતીકોનો ચૂંટણી પંચની મુક્ત પ્રતીકોની યાદીમાં સમાવેશ થતો ન હોવાથી આખરે શિંદે ગૂ્રપને હવે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધીમાં નવા ત્રણ વિકલ્પ સૂચવવા જણાવાયું છે.
ઉદ્ધવ જૂથે શિવસેના (બાળાસાહેબ ઠાકરે) એવું નામ માગ્યું હતું પરંતુ ચૂંટણી પંચ દ્વારા પોતાના નિર્ણયમાં જણાવાયું હતું કે આ નામ માટે એકનાથ શિંદેની દરખાસ્ત અગાઉ જ મળી ચુકી હોવાથી તે નામ ઉદ્ધવ જૂથને ફાળવી શકાય નહીં. આથી ઉદ્ધવ જૂથને તેણે રજૂ કરેલા બીજા વિકલ્પ અનુસાર શિવસેના ( ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) નામ અપાયું છે. ઉદ્ધવ જૂથે નામ માટે ત્રીજા વિકલ્પ તરીકે શિવસેના ( બાળાસાહેબ પ્રબોધનકાર ઠાકરે) એવો વિકલ્પ આપ્યો હતો. જ્યારે શિંદે જૂથને તેની દરખાસ્ત મુજબ શિવસેના ( બાળાસાહેબ ચી સેના) નામ ફાળવાયું છે. ચૂંટણી પંચના આ નિર્ણય સાથે શિવસેનાના હવે વિધિવત્ત ફાડિયાં પ્રમાણિત થયાં છે. ઉલ્લેખનીય છે કે હજુ સુધી એકનાથ શિંદે કે તેમના જૂથના કોઈ ધારાસભ્યએ શિવસેના પક્ષમાંથી રાજીનામું આપ્યું જ નથી. તેમના દાવા અનુસાર પક્ષના બહુમતી ધારાસભ્યો અને સાંસદો તથા સંગઠનના પદાધિકારીઓ પણ તેમની સાથે હોવાથી અસલ શિવસેના તેઓ પોતે જ છે અને તેથી કોઈએ રાજીનામું આપવાની જરુર રહેતી નથી.
ઉદ્ધવ જૂથના નેતા અનિલ પરબે આ નિર્ણય સંદર્ભમાં કહ્યું હતું કે અમારા સૂચવાયેલા વિકલ્પોમાંથી જ અમને નામ તથા ચિહ્ન ફાળવાયાં છે. પરંતુ, શિંદે જૂથે શિવસેના બાળાસાહેબ પ્રબોધનકાર ઠાકરે નામની માગણી કરી જ ન હતી. આથી એ નામ અમને આપવું જોઈતું હતું. આમાં કુદરતી ન્યાય થયો નથી અને અમે દિલ્હીની વડી અદાલતમાં આ નિર્ણયને પડકારશું.
બીજી તરફ શિંદે જૂથ વતી સંદિપ ભૂમરેએ કહ્યું હતું કે અમને અપાયેલાં નામથી અમે સંતુષ્ટ છીએ. અમે શરુઆતથી કહેતા આવ્યા છીએ કે બાળાસાહેબના વૈચારિક વારસદાર અમે છીએ અને અમારી શિવસેના જ બાળાસાહેબની અસલી શિવસેના છે. અમારી આ વાત માન્ય રહી છે.