આજે દશેરા નિમિત્તે ઉદ્ધવ અને શિંદેની સામસામે રેલીઓ
બાળાસાહેબના અસલી રાજકીય વારસદાર તરીકે ચડસાચડસી
અજિતની સરકારમાં એન્ટ્રી પછી હવે શિંદે ભાજપ સામે પણ પોતાની તાકાત દેખાડવાના મૂડમાં
મુંબઈ : દશેરા નિમિત્તે આવતીકાલે મુંબઈમાં સીએમ એકનાથ શિંદેના વડપણ હેઠળની શિવસેના તથા ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની શિવસેના-યુબીટી બંને સામસામે રેલીઓ યોજશે. આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી ઉપરાંત ગમે ત્યારે યોજાઈ શકતી મુંબઈ મહાપાલિકાની ચૂંટણી પહેલાં બંને સેનાઓ મહત્તમ શક્તિ પ્રદર્શનના મૂડમાં છે. બંને સેનાઓ દ્વારા રેલી પૂર્વે પ્રગટ કરાયેલાં ટીઝરમાં બાળાસાહેબના અસલી રાજકીય વારસદાર હોવાનો દાવો કરાયો છે.
ગત વર્ષે દાદર શિવાજી પાર્કના પરંપરાગત સ્થળે કોણ રેલી યોજે એ મુદ્દે પણ ચડસાચડસી થઈ હતી અને છેવટે બોમ્બે હાઈકોર્ટના આદેશથી ઉદ્ધવ ઠાકરે માટે રેલી યોજવાનો માર્ગ મોકળો થયો હતો. આ વખતે શિંદે જૂથે દાદર શિવાજી પાર્ક પરનો દાવો અગાઉથી જ છોડી દીધો છે અને તે સાઉથ મુંબઈમાં આઝાદ મેદાનમાં રેલી યોજવાનું છે.
ઉદ્ધવ પાસે પોતાના વધુ સાથીઓને શિંદે જૂથ ભણી સરકી જતા રોકવાનો પડકાર છે. ઉદ્ધવ જૂથને આશંકા છે કે આગામી ચૂંટણીઓ પહેલાં તેમના વધુ નેતાઓ શિદે સેનામાં સરકી જઈ શકે છે. બીજી તરફ એનસીપીમાં ભાગલા બાદ મહાવિકાસ આઘાડીને મરણતોલ ફટકો પડયો છે. આ સંજોગોમાં ઉદ્ધવ માટે પોતાના નેતાઓને ટકાવી રાખવાનું દિનપ્રતિદિન મુશ્કેલ બનતું જાય છે.
જોકે, ઉદ્ધવ આવતીકાલની રેલીમાં નાંદેડ તથા થાણે હોસ્પિટલોમાં દર્દીઓનાં મોત , મહારાષ્ટ્રમાં વધી રહેલા ડ્રગના કેસો વગેરે જેવા બાબતો પર શિંદે સરકારને ઘેરવાનો પ્રયાસ કરે તેવી સંભાવના છે. ઉદ્ધવ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવામાં વિલંબ અને સુપ્રીમ કોર્ટ દ્વારા સ્પીકરની ટીકાનો મુદ્દો પણ ઉઠાવી શકે છે.
બીજી તરફ એકનાથ શિંદે સમક્ષ ઉદ્ધવ જૂથ કરતાં તો ભાજપ અને હવે સરકારમાં નવાં ભળેલાં અજિત જૂથ સામે પણ પોતાનું શક્તિ પ્રદર્શન કરવાનો પડકાર છે. ભાજપ દ્વારા એકથી વધુ વખત સ્પષ્ટતા થઈ ચૂકી છે કે આગામી ચૂંટણીઓ સુધી એકનાથ શિંદે જ રાજ્યના મુખ્યપ્રધાન રહેશે. આમ છતાં પણ વિધાનસભ્ય પદેથી શિંદે સહિત તેમના ૧૬ ધારાસભ્યો અપાત્ર ઠરે તો ભાજપ અજિત પવારને સીએમ બનાવી દેશે તેવી અફવાઓ હજુ પણ શમી નથી.
લોકસભા ચૂંટણી પહેલાં શિંદે જૂથ ભાજપ તથા અજિત પાસેથી મહત્તમ બેઠકો પર દાવો કરવા માગે છે. તે માટે પણ આવતીકાલની રેલીનું શક્તિ પ્રદર્શન મહત્વનું બને તેમ છે.
આ બે રેલીઓ ઉપરાંત આવતીકાલે ભાજપનાં માજી મંત્રી પંકજા મુંડે પણ આવતીકાલે અહમદનગર જિલ્લામા ંરેલી યોજી રહ્યાં છે. પંકજા ભાજપમાં હાલ અસંતુષ્ટ નેતા ગણાય છે. જોકે, તેઓ સ્પષ્ટતા કરી ચૂક્યાં છે કે તેઓ ભાજપ છોડવાનાં નથી. આમ છતાં પણ તેમની આવતીકાલની રેલી માં તેઓ કોઈ સંકેત આપે છે કે કેમ તેના પર નજર છે.