મહારાષ્ટ્રના સોલાપુરના વતની ઉદય લલિત દેશના મુખ્ય ન્યાયમૂતિ બનશે
બોમ્બે હાઈકોર્ટમાં 1985 સુધી વકીલાત કરી હતી
મુંબઈ : મહારાષ્ટ્રમાં જન્મેલા ન્યાયમૂર્તિ ઉદય લલિત આવતી ૨૭ ઓગસ્ટે ભારતના ૪૭મા મુખ્ય ન્યાયાધીશ પદે શપથ ગ્રહણ કરવાના છે. હાલના મુખ્ય ન્યાયાધીશ એન. વી. રમણા ૨૬ ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાં સૌથી વધુ વરિષ્ઠ ન્યાયમૂર્તિ એવા લલિતે તેમના કાર્યકાળમાં અનેક મહત્ત્વના કેસોમાં ઐતિહાસિક ચુકાદા આપ્યા છે. જોકે ન્યા. લલિત પણ આઠ નવેમ્બર ૨૦૨૨ના રોજ નિવૃત્ત થશે.
નવ નવેમ્બર ૧૯૫૭ના રોજ મહારાષ્ટ્રમાં જન્મેલા ન્યા. લલિતે કાયદાની પદવી પ્રાપ્ત કર્યા બાદ બોમ્બે હાઈ કોર્ટમાં એડવોકટ તરીકેની પ્રેક્ટિસ શરૃ કરી હતી. ડિસેમ્બર ૧૯૮૫ સુધી કાર્યરત રહ્યા બાદ૧૯૮૬માં દિલ્હીમાં તેમણે એડવોકેટની પ્રેક્ટિસ શરૃ કરી હતી. એપ્રિલ ૨૦૦૪માં સુપ્રીમ કોર્ટે તેમને વરિષ્ઠ વકિલ તરીકે માન્યતા આપી હતી. ટુ જી સ્પેક્ટ્રમ પ્રકરણના કેસમાં સીબીઆઈના વિશેષ સરકારી વકિલ તરીકે તેમની નિયુક્તિ થઈ હતી.
મુસ્લિમ સમાજમાં ત્રિપલ તલાકની પ્રથા ગેરકાયદે અને ગેરબંધારણીય હોવાનો ઐતિહાસિક ચુકાદો સુપ્રીમ કોર્ટની જે કોર્ટના પાંચ સભ્યોેની બેન્ચે ઓગસ્ટ ૨૦૧૭માં આપ્યો હતો તેમાં ન્યા. લલિતનો પણ સમાવેશ હતો.ચુકાદામાં ત્રણ વિરુદ્ધ બે એ રીતની વિભાજણી થઈ હતી.
આ ઉપરાંત ઐતિહાસિક શ્રી પદ્મનાભસ્વામી મંદિરના વ્યવસ્થાપનનો અધિકાર રાજ્ય સરકારને નહીં પણ સંબંધીત વારસદારોને જ હોય છે એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો પણ તેમણે આપ્યો હતો.